Gujarati News

Gujarati News

News of Monday, 30th March 2020

ખાવડામાં પીએસઆઈના અક્કડ વલણે જનાજા દરમ્યાન મુશ્કેલી સર્જી

પોલીસની સારી કામગીરી વચ્ચે આ કિસ્સાની ફરિયાદ, મૃત્યુનો મલાજો જાળવવા આગેવાનોની રજુઆત

 ભુજ, તા.૩૦: ખાવડાના ધોરાવર ગામે મૃતક વ્યકિતના જનાજા દરમ્યાન સ્થાનિક પીએસઆઇ દ્વારા કરાયેલ વર્તણુંક અંગે કચ્છના કોંગ્રેસી અગ્રણી આદમ ચાકી અને પ્રવકતા દિપક ડાંગરે ભારે નારાજગી વ્યકત કરી છે. લોકડાઉન દરમ્યાન કચ્છમાં પોલીસ દ્વારા સરાહનીય કામગીરી કરાઈ રહી છે ત્યારે એકાદ પોલીસ અધિકારીના તુમાખી અને માનવતા વિહોણા વર્તનથી પોલીસની છબીને નુકસાન થશે એવી ભીતિ કોંગ્રેસના આગેવાનોએ વ્યકત કરી છે. ખાવડાના ધોરાવર ગામે જનાજા દરમ્યાન માત્ર ચાર જ જણાને જવા દેવાનું અક્કડ વલણ ખાવડા પીએસઆઇ પરાક્રમસિંહ કુછવાહે દર્શાવતા જનાજો કબ્રસ્તાન સુધી લઈ જવામાં ભારે મુશ્કેલી પડી હતી. આગેવાનો આદમ ચાકી અને દિપક ડાંગરના જણાવ્યા પ્રમાણે તંત્રની ગાઈડલાઇન મુજબ ૨૦ વ્યકિતઓ થોડું થોડું અંતર રાખીને જનાજા માં જઈ શકે છે. પણ, પીએસઆઇએ મનમાની કરી શર્મનાક વર્તન કર્યું હતું. સુરતથી બદલીને સરહદી કચ્છમાં છેવાડાના બોર્ડર વિસ્તારમાં મુકાયેલા આ પીએસઆઇ વિરુદ્ઘ અગાઉ પણ ફરિયાદો થઈ ચૂકી હોવાનો આક્ષેપ આ આગેવાનો દ્વારા કરાયો છે.

(11:44 am IST)