Gujarati News

Gujarati News

News of Monday, 30th March 2020

કોરોનાથી બચવા માટે પ્રમાણિક ડિસ્ટન્સ જાળવીએ, સરકારના નિયમોનું પાલન કરજો : પૂ. મોરારીબાપુ

ચૈત્રી નવરાત્રી અને રાષ્ટ્રીય અનુષ્ઠાનો

વેળાવદર તા. ૩૦ : ચૈત્રી નવરાત્રી અને રાષ્ટ્રીય અનુષ્ઠાન ચતુર્થ દિને આપ સૌને જય સીયારામ. સૂર્યનો તાપ અને તુલસી ઔષધી છે એટલું જ નહીં 'ઔષધો જાહનવી તોયમ્' ગંગાજળ પણ ઔષધી છે. યોગવશિષ્ઠ રામાયણ કહે છે, કે દારિદ્ર ,મરણ, ભ્રમ ઇત્યાદિ ઘણાં પ્રશમન માટે સાધુસંગ પણ ઔષધી છે. સાધુ એટલે કોણ?ઙ્ગ વ્યકિતપૂજા કે વેશપૂજાની વાત નથી. પરંતુ ભારતના ઋષિઓએ જે ઔષધિઓ બતાવી તેમાં સાધુ સંગની જે વાત કરી.સાધુ વિચાર છે, સાધુ વિચાર છે, વ્યવહાર છે, સાધુ કરણીની પૂજા છે. રામાયણ જણાવે છે.

'પ્રથમ ભકિત સંતન કરન સંગ

દુસરી રતી મમ કથા પ્રસંગા,

સંત્ સંગતી દુર્લભ સંસારા

નિમિત્તે દંડ એક ભરી બારા.'

ભૂરો રંગ વિશાળતા, લાલ રંગ વીરતા,લીલો રંગ સમૃદ્ઘિ, પીળો પવિત્રતા ,કાળો ઉદાસીનતા અને સફેદ શાંતિનો રંગ છે. એટલે કે જેનામાં વિશાળતા, અસિમતા, વીરતા, આતંર સમૃદ્ઘિ, પવિત્રતા, એકાંત ઉદાસી છતાં પણ શાંતિ એવો વિશ્વમાનવ .જેમાં આ બધું સમાહિત થયેલું છે. 'કનક ભુધરા શરિરા' હનુમાનજી માટે કહેવાયું છે ,તેથી તે સાધુ છે. શાંતિ પમાડે, શાંતિમાં ડૂબેલાં રહે, શાંત સ્વરૂપ હોય એવો કોઈ બુદ્ઘપુરુષ સાધુ છે. પણ આ બુદ્ઘ પુરુષને શોધવા કયાં? વિનયપત્રિકા કહે છે કે તમારાં પોતાનો પરિચય -જેમાં તમને નિરંતર શાંતિ દેખાય ,જે આત્મવિચારમાં ડૂબેલો છે, પરમાત્મામાં ડૂબેલો છે. પરિસ્થિતિ આવે તેમાં તે સંતુષ્ટ રહે છે. 'સંત સંગતિ ચારી દઢ્ કરી' શાંતિ, સંતોષ, બ્રહ્મ વિચારણા , સાધુનું સતત સેવન થતું હોય તે સાધુ પુરુષ બીમારીમાંથી મુકત કરે.

એક હરી કથા છે. સતીષ વ્યાસજીએ બિહારના બાબુલજી પરથી લખેલી છે. બે પક્ષી ખપાટ ના પિંજરામાં કેદ હતાં. શિકારીની સાથે રહીને તેની રહન-સહન અને ભાષા તેઓ સારી રીતે સમજી ગયાં હતાં. શિકારી કયારે બહાર જાય છે. શું બોલે છે,તેની તેને ખબર હતી. બપોરના સમયે જયારે શિકારી બહાર જાય. ત્યારે બંને પક્ષીઓએ બાંધેલી ખપાટના દોરાને તોડીને બહાર નીકળવાનો મનસુબો કર્યો. તેમાં થોડાં અંશે તેઓ સફળ પણ થયાં. જોતજોતામાં સમય નીકળી ગયો. શિકારીને ઘેર પાછાં ફરવાનો સમય થઈ ગયો. એક પક્ષી બીજા પક્ષીને કહે છે. 'ચાલ રસ્તો થઈ ગયો છે, નીકળી જઈએ.' પણ એક પક્ષી તેને સમજાવે છે. આપણે આવી છેતરપિંડી ના કરાય.તે પક્ષીમા સાધુતા હતી.જેને નીકળી જવાનો વિચાર આવતો હતો તે અસાધુતા હતી.સાધુ જીવન સમૃદ્ઘ કરી અસુખનુ શમન કરે.

હું ઘણી વખત અગાઉ પણ કહી ચૂકયો છું કે સૌ સાથે પ્રમાણિક ડીસ્ટન્સ જાળવીએ. જે હું કરી પણ રહ્યો છું. આ સમયમાં આપને અનુકૂળ એની પ્રવૃત્તિ કરતાં રહો.સંગીત,કાવ્ય, સાહિત્ય વાંચન જે જે વસ્તુ આપણને અનુકૂળ હોય તે કરો. પરંતુ સરકારશ્રીના નિયમો,સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરીએ. સાંપ્રત સમયે દાતાઓ સમેત જેમણે પણ પોતાની યથાસંભવ સેવા કરી છે. તે બધા જ શુભેચ્છાના અધિકારી છે સૌને તે બદલ ખુબ ખુબ શુભેચ્છાઓ. સૌનું કલ્યાણ થાય.

સંકલન : તખુભાઇ સાંડસુર

વેળાવદર, જી. ભાવનગર

(11:27 am IST)