Gujarati News

Gujarati News

News of Monday, 30th March 2020

ઉપલેટા સેનેટરી ઇન્સપેકટરને પોલિસે માર મારતા સફાઇ કામદારો હડતાલ ઉપર

ગઇકાલે અનાજ કિરાણા એશોસીએશને પોલિસના વર્તનના વિરોધમાં દુકાનો બંધ રાખેલ

ઉપલેટા તા. ૩૦: કોરોનાના કારણે શહેર લોકડાઉન છે ત્યારે નગરપાલિકાની સેનીટેશન શાખા આવશ્યક સેવામાં ચાલુ છે ત્યારે નગરપાલિકાની સેનીટેશન શાખાના મુખ્ય ઓફિસે પોલિસે સેનીટેશન ઇન્સપેકટરને માર મારતા સફાઇ કામદારો વિજળીક હડતાલ ઉપર ઉતરી ગયા છે.

આ બનાવની વિગત એવા પ્રકારની છે દરરોજના નિયમ મુજબ બંબાગેઇટ પાસે આવેલ સેનીટેશન ઓફિસની મુખ્ય ઓફિસ ૬-૩૦ કલાકે ખુલે છે ત્યાં કર્મચારીઓ હાજરી પુરીને સાત વાગ્યે તેઓને સોંપેલ વિસ્તારમાં સફાઇ કરવા પહોંચે છે. નિયમ મુજબ ઓફિસ ખોલી સેનીટેશન ઇન્સપેકટર અશોકભાઇ અરશીભાઇ ડેર કર્મચારીઓને નોકરી બાંટી રહ્યા હતા ત્યારે કોઇ પોલિસવાળા ત્યાં આવેલ અને ઓફિસ સામે જ અશોકભાઇ ડેરને માર મારતા. આ બનાવનો વિરોધ કરી તમામ સફાઇ કામદારો હડતાલ ઉપર ઉતરી ગયા હતા. આ અંગે સેનેટરી ઇન્સપેકટર અશોક ડેરે જણાવેલ છે કે ભાવેશ નામના પોલિસે ઓફિસમાં આવીને માર મારી ફરજમાં રૂકાવટ કરી છે અને હું ફરીયાદ કરવાનો છું આમ આજે સફાઇ કામદારો હડતાલ ઉપર ગયા હતા.

ગઇકાલે પોલિસે એક વેપારી આગેવાનને એક કલાક રોકી રાખતા-અનાજ કિરાણા એશોશીએશન આ બાબતથી રોષે ભરાઇને ગઇકાલે દુકાનો ખોલી નહોતી.

અનાજ કરીયાણાની દુકાનો આવી સ્થિતિમાં એશોશીએશન ન ખોલે તો પરિસ્થિતિ બગડે એ બાબતને ધ્યાનમાં રાખીને ઉપલેટાના ધારાસભ્ય લલીતભાઇ વસોયા અને શહેર કોંગ્રેસ પ્રમુખ કૃષ્ણકાન્ત ચોટાઇએ અનાજ કરીયાણા એશોસિએશનના પ્રમુખ જયેશભાઇ વસંત સહિત કારોબારીના સભ્યોને બોલાવી અધિકારીઓ અને એશોશિએશનના સભ્યો વચ્ચે મધ્યસ્થી બની આ બનાવને થાળે પાડયો હતો ત્યાં આજે આ બીજો બનાવ બનતા શહેરમાં ચર્ચાનો વિષય બનેલ છે.

(11:02 am IST)