Gujarati News

Gujarati News

News of Monday, 30th March 2020

કચ્છમાં બહારથી આવેલા ૨ હજાર લોકોનું સ્ક્રીનીંગઃ ૧૬ નેગેટિવ

કુલ ૩૧ હજારનું સ્ક્રીનીંગઃ ૨ સારવાર હેઠળઃ લોકડાઉનનો વારંવાર ભંગ કરનારાઓને પકડવા સામે કચ્છ પોલીસ દ્વારા 'વોટસએપ' નો ઉપયોગ

ભુજ,તા.૩૦: સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસ કોવીડ -૧૯ થી વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવી છે. ત્યારે કચ્છમાં છેલ્લા બે દિવસ દરમિયાન અંદાજે બે હજાર લોકોનું સ્ક્રીનીંગ કરવામાં આવ્યું છે. જેમાં સદભાગ્યે એક પણ કેસ પોઝીટીવ આવ્યો નથી. દેશના તમામ રાજયોમાં લોકડાઉન કરી આ મહામારીનો રોકવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સીમાવર્તી કચ્છ જિલ્લાના કલેકટર પ્રવીણા ડી.કે. અને જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોશીના માર્ગદર્શન આ કોવીડ -૧૯ કોરોના વાયરસ જિલ્લામાં વધુ ના ફેલાય તે માટે કચ્છનાં ભુજ ઉપરાંત કંડલા એરપોર્ટ, રેલવે સ્ટેશનો અને અન્યત્ર સ્થળોએ સ્ક્રીનીંગ કરવામાં આવી રહ્યું છે.ગઈકાલ સુધીમાં કુલ ૧૯૩૯ વ્યકિતઓનું સ્ક્રીનીંગ કરવામાં આવ્યું હતું.ઙ્ગ કચ્છ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા અત્યાર સુધીમાં કુલ ૩૧,૨૦૪ લોકોનું સ્ક્રીનીંગ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત કુલ ૧૭ જેટલા શંકાસ્પદ કેસોના સેમ્પલ લેવામાં આવ્યા હતા તેમાંથી એક કેસ પોઝિટિવ આવેલ હતો જેની સારવાર સરકારી હોસ્પિટલમાં થઈ રહી છે. બાકીના ૧૬ જેટલા સેમ્પલો નેગેટિવ આવ્યા હોવાની વાત પણ અંતમાં જિલ્લા વહિવટી તંત્ર દ્વારા જણાવવામાં આવી છે.

લોકડાઉનનાં અમલ માટે કચ્છમાં પોલીસ દ્વારા તમામ ટેકનિકનોઙ્ગ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. છતા કેટલાક રખડુઓ માનતા ન હોવાનેઙ્ગ કારણે કચ્છમાં પોલીસે હવે તેમની 'જાસુસી' કરવાનું નક્કી કર્યું છે. લોકડાઉનનો ભંગ કરવા વાળાને ઝડપી લેવા માટે કચ્છનાં પૂર્વ અને પશ્યિમ પોલીસ વિભાગ દ્વારા વોટ્સએપ ઉપર આવા લોકોની 'જાસુસી' કરવામાં આવી રહી છે. અને આ માટે પોલીસે લોકોને જ કામ સોંપીને આવા તત્વોને કાયદાનો પાઠ ભણાવનાનું શરૂ કર્યું છે.ઙ્ગ

લોકડાઉનનો ભંગ કરીને રોડ ઉપર રખડતા કે ચારથી વધુ એકઠા થતા લોકોની જાસૂસી કરવા માટે પૂર્વ અને પશ્યિમ પોલીસ વિભાગ દ્વાર બે વોટ્સએપ નંબર શરૂ કરવામાં આવ્યા છે.જેની ઉપર નિયમનો ભંગ કરનારા લોકોની માહિતી ફોટા કે વિડિઓ સ્વરૂપે આપવા પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી છે. પશ્યિમ કચ્છનાં એસપી સૌરભ તોલંબિયાએ વોટ્સએપ નંબર ૬૩૫૯૬૨૫૮૨૨ જાહેર કરીને તેની ઉપર ફોટા કે વિડિઓ મોકલવાની અપીલ કરી છે. આવી જ રીતે પૂર્વ કચ્છનાં પોલીસ અધિક્ષક પરીક્ષિતા રાઠોડે પણ એક વોટ્સએપ નંબર ૯૦૯૯૦૫૧૧૦૦ જાહેર કર્યો છે. આ બંને વોટ્સએપ નંબરને ભુજ તથા ગાંધીધામ ખાતે આવેલા કન્ટ્રોલ રૂમમાં મુકવામાં આવ્યા છે. જેવા આ બંને નંબર ઉપર લોકડાઉન ભંગ કરનારાઓની વિગત આવશે કે તરત જ સંબંધિત પોલીસ સ્ટેશનમાં તેમની માહિતી પહોંચી જશે. અને પોલીસની ટીમ દ્યટનાની જગ્યાએ જઈને આવા તત્વોને ઝડપી લેશે. પોલીસની આ પ્રકારની કામગીરીથી હવે એવા લોકોમાં ભય ફેલાશે જેઓ નિયમનો ભંગ કરી રહયા છે.

પોલીસને માહિતી આપતી વખતે દ્યણી વખત લોકો એટલા માટે ડરતા હોય છે કે, રખેને તેમનું નામ જાહેર ન થઈ જાય. કારણ કે જો ખબર પડી જાય તો એક જ વિસ્તારમાં રહેતા હોવાને કારણે અથવા તો જેની માહિતી આપવામાં આવી છે તે માથાભારે તત્વ હોવાને કારણે મુશ્કેલીમાં પડી જવાનો ભય હોય છે. જેને કારણે પોલીસે માહિતી આપનારની ઓળખ-નામ જાહેર ન થાય તે માટેની પણ તકેદારી રાખી છે. આમ પોલીસે લોકો દ્વારા જ લોકોની ઉપર નજર રાખવા માટે સોસીયલ મીડિયા થકી આ આઈડિયા અપનાવ્યો છે.

(11:00 am IST)