Gujarati News

Gujarati News

News of Monday, 30th March 2020

મોટાખુટવડાની મહિલાનું કોરોનાથી મોતઃ ભાવનગરમાં ૫ પોઝીટીવ કેસ

ગોહિલવાડમાં ૧૦૦ થી વધુ લોકો હોમ કવોરેન્ટાઇનઃ ૪ કેસ શહેરમાં અને એક કેસ જેસર પંથકમાં નોંધાતા ગભરાટઃ રાજ્યમાં કુલ મૃત્યુઆંક-૬

પાંચ-પાંચ પોઝીટીવ કેસથી ભાવનગરમાં ખળભળાટ મચી ગયો છે. શહેરમાં રાણીકા વિસ્તારમાં મોડી રાત્રે આગેવાનોને માઇક પર લોકોને સાવચેત રહેવા અને ઘરમાં જ રહેવા અપીલ કરી હતી. ( તસ્વીરઃ મેઘના વિપુલ હિરાણી. ભાવનગર)

ભાવનગર ,તા.૩૦: ભાવનગરનાં જેસર પંથકનાં મોટા ખુટવડાની મહિલાનો કોરોનાએ ભોગ લીધો છે. જ્યારે ભાવનગરમાં એક જ દિવસમાં કોરોના પાંચ પોઝીટીવ કેસ આવતા ખળભળાટ મચી ગયો છે. શહેરના ચાર અને એક ગ્રામ્ય પંથક સતત પાંચ-પાંચ પોઝીટીવ કેસ નોંધતા લોકોએ પુરતી સર્તકતા રાખવી ફરજીયાત થઇ ગઇ છે. ઉલ્લેખનીય છે કે ભાવનગરમાં કોરોનાથી એકનું મોત નિપજ્યું છે.

ભાવનગરમાં કોરોના વાઇરસ ગંભીર સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. ગઇ કાલે ભાવનગરની હોસ્પિટલમાં કુલ ૧૧ કેસ રીપોર્ટમાં હતા જે પૈકી છ કેસના રીપોર્ટ નેગેટીવ આવ્યા હતા. અને મોડી રાત્રે બાકી પાંચેય રીપોર્ટ પોઝીટીવ આવતા હવે સ્થિતિ ગંભીર થઇ ગઇ છે. અને તંત્રમાં પણ હંડકંપ મચી ગઇ છે. ભાવનગરમાં જે પાંચ કેસ પોઝીટીવ આવ્યા છે. તેમાં વડવા-રાણીકા, ઘોઘા રોડ, શિશુવિહાર જેવા ગીચ વિસ્તારના દર્દી હોય ચિંતાની લાગણી ફેલાઇ છે. એક પોઝીટીવ કેસ જેસરનો આવ્યો છે.

દરમ્યાન મોડી રાત્રે જ શહેરમાં રાણીકા વિસ્તારમાં આગેવાનોએ માઇક દ્વારા જાહેરાત કરી હતી. કે આ વિસ્તારમાં પોઝીટીવ કેસ હોય લોકોએ સાવચેતી રાખી ઘરમાં જ રહેવું.

ભાવનગરમાં અત્યાર સુધીમાં કુલ ૬ પોઝીટીવ કેસ નોંધાયા છે. જેમાં એક ૭૦ વર્ષના વૃધ્ધનું મોત નિપજ્યું છે. જીલ્લામાં એક દર્દીનાં મોત બાદ આરોગ્ય વિભાગે વધુ સર્તકતા દાખવાનો આરંભ કર્યો છે.

ભાવનગરમાં અન્ય જીલ્લા/ રાજ્ય કે દેશ માંથી પરત ભાવનગર આવ્યા હોય તેની તપાસ કરી ૪૦૦ વ્યકિતઓને હોમ કોરોન્ટાઇન રાખ્યા છે. જેમાં મહાપાલિકા વિસ્તારમાં હાલમાં ૩૪૦ વ્યકિતઓને અને ગ્રામ્ય વિસ્તારમાં ૬૦ વ્યકિતઓને હોમ કોરોન્ટાઇનમાં રાખવામાં આવ્યા છે.

જ્યારે ભાવનગર સર ટી. હોસ્પિટલના કોરોન્ટાઇન ફેસીલીટીમાં ૨૩ વ્યકિતઓને રાખવામાં આવ્યા છે. જ્યારે મહાપાલિકાનાં ૨૩૪ અને ગ્રામ્યનાં ૯૯ વ્યકિતઓએ ૧૪ દિવસનાં હોમ કોરોન્ટાઇનનો સમયગાળો પૂર્ણ કર્યો છે.

ભાવનગર જીલ્લામાં પધેલાઇ, વલ્લભીપુર, રંધોળા ચોકડી, માઢીયા વિગેરે ચેક પોસ્ટ ખાતે કુલ ૧.૬૪ લાખ મુસાફરોનું સ્ક્રિનીંગ આરોગ્ય વિભાગ અને પોલીસ દ્વારા કરાયું છે.

ભાવનગરનાં જેસર તાલુકાનાં મોટા ખૂંટવડાની ૪૫ વર્ષની મહિલાને સુરતથી તેના સંબંધી દ્વારા ચેપ લાગતા સારવાર માટે ખસેડાયા બાદ મોત થયું છે.

(10:59 am IST)