Gujarati News

Gujarati News

News of Monday, 30th January 2023

રાજસ્થાની મુસ્લિમ પરિવાર સમગ્ર સૌરાષ્ટ્રમાં ગામડે ગામડે ફરી વળ્યો

મુસ્લિમ મીર બ્રધર્સની દેશભકિત અને દેવીસ્તુતિ હિન્દુસ્તાનની સર્વ-ધર્મ સમભાવની ભાવનાને ઉજાગર કરવા

સાવરકુંડલા,તા. ૩૦ : હાલમાં રાજસ્થાનનાં બાડમેર જિલ્લાના ખોબા જેવડા ગામ તિલવાડાના રહેવાસી આર્થિક રીતે પછાત એવા મુસ્લિમ મીર પરિવારના ચાર ભાઇઓ સૌરાષ્ટ્રનાં પ્રવાસે છે.

આ પ્રવાસ અંતર્ગત આ મીર બ્રધર્સ સાવરકુંડલા સ્થિત સનરાઇઝ સ્કૂલની મુલાકાતે આવ્યા અને બે દિવસ રોકાય ને ખુમાણ પરિવારની મહેમાનગતિ માણી આ મીર ભાઇઓએ રાજસ્થાની રસોઇ પણ ચખાડીને કાઠિયાવાડી વાનગીઓનો પણ સ્વાદ માણ્યો. અત્રે ખાસ વિરિષ્ઠ બાબત એ છે કે, આ મુસ્લિમ ભાઇઓ માતાજીના ગરબા અને સ્તુતિ એટલી આસ્થા અને શ્રધ્ધાથી ગાય છે કે હિન્દુ-મુસ્લિમ તમામ ભેદ ભાંગીને ભુક્કો થઇ જાય છે. આ ઉપરાંત દેશપ્રેમનાં ગીતોમાં પાકિસ્તાનને લલકારીને કાશ્મીર સામે આંખ પણ માંડવા સામે જુસ્સા ભેરએ દુશ્મન દેશને લલકારીને વીર રસથી ભરપૂર ગીતો સંભળાવે છે ત્યારે સાંભળનારના રૃંવાડા પણ ઉભા થઇ જાય છે. વીર યોધ્ધા મહારાણા પ્રતાપની વીરતાની અદભૂત વાતો રોમાંચિત કરી દે છે. આ મીર બ્રધર્સના સૌથી મોટાભાઇ નીજામખાં મીર જણાવે છે કે અમે આખો પરિવાર માતાજીના ગરબા ગાઇએ છીએ. એટલે અમારા પરિવારમાં એક પણ સભ્ય માંસ, મટન, મદિરા કે મચ્છી ને કયારેય હાથ પણ લગાડ્યો નથી.

આ મુસ્લિમ મીર ભાઇઓને ગાતા સાંભળવા એ એક લહાવો છે. આપણું હિન્દુસ્તાન કે જેનો સર્વ ધર્મ સમભાવ મૂળ પાયો છે. તેને આવા રાજસ્થાની મુસ્લિમ પરિવારો વધુને વધુ મજબુત બનાવે છે. ત્યારે આપણો વિશ્વાસ દ્રઢ બની જાય છે કે આપણી સંસ્કૃતિને સદીઓ સુધી ઉંણી આંચ આવવાની નથી. આ મીર બ્રધર્સની દેશપ્રત્યેની ભાવનાને બિરદાવવા મો. ૯૬૦૨૨ ૮૪૩૮૨ ઉપર સંપર્ક કરી પ્રોત્સાહિત કરી શકો છો. (તસ્વીર-અહેવાલ : પ્રતાપભાઇ ખુમાણ-સાવરકુંડલા)

(2:29 pm IST)