Gujarati News

Gujarati News

News of Monday, 30th January 2023

વિસાવદરમાં પૂ.જલારામબાપા તથા શ્રી રામચંદ્રજી ભગવાનનો પ્રથમ પાટોત્સવ ઉજવાયો

વિસાવદર, તા.૩૦: જલારામબાપા મંદિર ખાતે પૂ.જલારામબાપા તથા શ્રી રામચંદ્રજી ભગવાનના પ્રથમ પાટોત્સવ ઉત્સાહભેર ઉજવાયો હતો.

વિસાવદરમાં ડાક બંગલા પ્લોટ ખાતે આવેલા શ્રી જલારામ મંદિર ખાતે જલારામ બાપા તથા રામચંદ્ર ભગવાનનો પ્રથમ પાટોત્સવ ઉજવાયો હતો. આ ધર્મ પ્રસંગે ગણપતિ પૂજન, વિવિધ રસ પંચામૃત,કેસર જળથી મહાભિષેક, પુણ્યાહ વાંચન, રાજોપ્રચાર પૂજન, શણગાર દર્શન, અન્નકૂટ, આરતી, મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાયા હતા. આ ધર્મ પ્રસંગ પૂર્વે કળશધારી કુમારીકાઓ સાથે જલયાત્રા, નગર યાત્રા અને સાંજે સંધ્યા આરતી બાદ મહા-સાદનું આયોજન કરાયું હતુ.

આ સમગ્ર ધાર્મિક કાર્યક્રમના મુખ્ય યજમાન શ્રી બેચરદાસ માધવજીભાઈ કાનાબાર પરિવાર, શ્રી નારણદાસ દુર્લભજીભાઈ અભાણી હઃગીરીશભાઈ નારણદાસ અભાણી પરિવાર રહ્યા હતા. શાસ્ત્રી શ્રી મધુકાંતભાઈ પાઠક-સોમનાથવાળા, ઉપાચાર્ય પૂજારી શ્રી ભરતભાઈ જોષી હતા.

પૂ.જલારામબાપા-વીરબાઈમાં ચેરીટેબલ ટ્રસ્ટ, લોહાણા મહાજન તથા જ્ઞાતિ સમુદાય અને જલારામ યુવક મંડળ-વિસાવદરના સંયુકત ઉપક્રમે આ આયોજન કરવામાં આવ્યું હતુ.

આ ધાર્મિક કાર્યક્રમને સફળ બનાવવા જલારામ મંદિર ટ્રસ્ટના પ્રમુખ દિલીપભાઈ કાનાબાર, ઉપપ્રમુખ બટુકભાઈ કારીયા, લોહાણા મહાજનના પ્રમુખ શ્યામભાઈ ચોટાઈ, જલારામ યુવક મંડળના પ્રમુખ અતુલભાઈ છગ તથા જ્ઞાતિ શ્રેષ્ઠીઓ -વડીલોના માર્ગદર્શન તળે સૌએ સામુહિક જહેમત ઉઠાવી હતી.

(2:46 pm IST)