Gujarati News

Gujarati News

News of Monday, 30th January 2023

લીંબડી પાસે લકઝરી બસ સાથે અથડાતાં રાજકોટ પોલીસની જીપનો બૂકડો : ૬ ઘવાયા

રાજકોટ હેડકવાર્ટરના જમાદાર, મહિલા કોન્‍સ્‍ટેબલ સહિતનાને ઇજાઃ નારી સંરક્ષણના મહિલા અરજદારને અમદાવાદ લઇ જતી વખતે બનાવઃ ચાર ઘાયલોને રાજકોટ ખસેડાયા

લકઝરી બસ સાથે અથડાતા રાજકોટ શહેર પોલીસની પીસીઆર વેનનો બૂકડો બોલી ગયો હતો. ઘાયલોને રાજકોટ ખસેડાયા હતા. (ફોટોઃ અશોક બગથરીયા) (૯.પ)

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા. ૩૦: રાજકોટ-અમદાવાદ હાઇવે ઉપર લીંબડી પાસે આજે સવારે રાજકોટની પીસીઆર વાન અને લકઝરી બસ વચ્‍ચે અકસ્‍માત થતા ૬ વ્‍યકિતઓને ઇજા થતા સારવાર માટે લીંબડી અને રાજકોટની હોસ્‍પિટલમાં ખસેડેલ છે. જેમા ઘાયલોમાં રાજકોટના બે હેડ કોન્‍સ્‍ટેબલ, એક મહિલા પોલીસ કોન્‍સ્‍ટેબલ તથા પીસીઆરના કોન્‍ટ્રાકટ બેઝના ડ્રાઇવરનો સમાવેશ થાય છે. આ તમામને રાજકોટ હોસ્‍પિટલમાં ખસેડાયા છે.

 પ્રાપ્ત માહિતી મુજબ સુરેન્‍દ્રનગર જિલ્લાના લીમડી રાજકોટ હાઇવે ઉપર આવેલા બલદાણા ગામના પાટીયા નજીક રાજકોટ પોલીસની પીસીઆર વાહનને અકસ્‍માત નડ્‍યો છે ત્‍યારે અકસ્‍માતમાં છ જેટલા પોલીસકર્મીઓને ઇજાઓ પહોંચવા પામેલ છે તમામને સારવાર માટે લીમડી સિવિલ હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યા હતા પરંતુ ત્‍યારબાદ તેમની હાલત ગંભીર રીતે લથડતી જતી હોય તેમાંના બે લોકોને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં તાત્‍કાલિક ધોરણે ખસેડવામાં આવ્‍યા છે જોકે આ મામલે લીમડી અને વઢવાણ પોલીસને જાણ થતા બંને પોલીસ ઘટના સ્‍થળે દોડી ગઈ છે.

વહેલી સવારે તપાસ માટે રાજકોટ પોલીસ ની ટીમ અમદાવાદ તરફ જતી હતી અને આ આકસ્‍મિક બનાવ બન્‍યો છે.લીંબડી પોલીસ હાલ ઘટના સ્‍થળે દોડી ગઈ છે તપાસ કામગીરી હાથ ધરવામાં આવી છે.અને પોલીસ ની ટીમ અમદાવાદ તરફ જતી હતી તપાસ માટે જતી હતી અને અકસ્‍માત સર્જાયો હતો.

આ અકસ્‍માતમાં કોન્‍ટ્રાક્‍ટ બેઝના પોલીસ વેનના ડ્રાઇવર કિશન હર્ષદભાઇ જોષી (ઉ.વ.૩૦-રહે. જામનગર રોડ પરસાણાનગર-૧), હેડકોન્‍સ. કુલદિપસિંહ રણજીતસિંહ ચુડાસમા (યુનિવર્સિટી પોલીસ સ્‍ટેશન), દેવેન્‍દ્રભાઇ રઘુભાઇ અઘેરા (ઉ.વ.૪૫-હેડકોન્‍સ. હેડક્‍વાર્ટર, પૂજાબા વાલમસિંહ ગોહિલ (ઉ.વ.૨૩-મહિલા કોન્‍સ. હેડક્‍વાર્ટર)ને ઇજાઓ થતાં તમામને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા છે.

આ તમામ નારી સંરક્ષણ ગૃહના આદેશ અનુસાર હેબીયર્સ કોપર્સના મહિલા અરજદારને લઇને અમદાવાદ હાઇકોર્ટમાં જઇ રહ્યા હતાં ત્‍યારે લીંબડી નજીક ખાનગી ટ્રાવેલ્‍સની બસની પાછળ પીસીઆર જીપ અથડાતાં ચારેયને ઇજાઓ થઇ હતી. બસમાં બેઠેલા એકાદ બે મુસાફરને પણ નજીવી ઇજાઓ થઇ હતી.

(1:24 pm IST)