Gujarati News

Gujarati News

News of Monday, 30th January 2023

ભાવનગર પાસે અકસ્‍માતમાં ૨ શિક્ષીકા - રીક્ષાચાલક સહિત ૩ના મોત

મહુવા - સોમનાથ હાઇવે ઉપર ટ્રક અને રિક્ષા વચ્‍ચે અકસ્‍માત થતાં મહુવા શિક્ષણ જગતમાં શોક

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૩૦ : ભાવનગર નજીક મહુવા સોમનાથ ધોરી હાઇવે પર સવારના સમયે ટ્રક અને ઓટોરિક્ષા વચ્‍ચે ગમખ્‍વાર અકસ્‍માત સર્જાતા બે શિક્ષિકા અનેᅠ ᅠરીક્ષા ચાલક સહિત ત્રણના ઘટના સ્‍થળે જ મોત નીપજયા હતા. આ બનાવની જાણ થતા ની સાથે જ પોલીસ કાફલો સ્‍થળ પર દોડી ગયો હતો.

આજે સવારે સર્જાયેલા આ ગમખ્‍વાર અકસ્‍માત ની જાણવા મળતી વિગત મુજબ મહુવા ખાતે રહેતા જીજ્ઞાબેન ધામી ઉં.વ. ૪૫ અને આરજુબેન જહીરભાઈ જલાલી ઉં.વ. ૪૨ પોતાના ઘરેથી પોતાની ફરજ બજાવવા હનુમંત સ્‍કૂલ ખાતે જવા માટે રવાના થયા હતા. અને ઘરની બહારથી ઓટો રીક્ષા નં. જીજે૧૪વાય-૧૯૬૪માં સવાર થયા હતા.ᅠ

આ રીક્ષાᅠ મહુવા સોમનાથ હાઇવે પર આવેલા ઉમણીયાવદર નજીક પહોંચી ત્‍યારે સામેથી આવી રહેલા ટ્રક સાથે ધડાકાભેર અથડાતા ચીચીયારીઓ આજુબાજુના ગામમાં ગુંજી ઉઠી હતી. અને ઓટો રીક્ષામાં સવાર બે શિક્ષિકા સહિત ઓટો રીક્ષા ચાલકના ઘટના સ્‍થળે જ મોત નીપજયા હતા.

અકસ્‍માત સર્જાતાની જાણ પોલીસને થતાની સાથે જ પોલીસ કાફલો ઘટના સ્‍થળે દોડી ગયો હતો અને મૃતદેહને પીએમ અર્થે ખસેડી ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી હતી. અકસ્‍માત સર્જાતા લોકોના ટોળેટોળા ઉમટ્‍યા હતા. આ બનાવથી મહુવાના શિક્ષણ જગતમાં શોકની લાગણી ફેલાઇ જવા પામી છે. મહુવા પોલીસ આ અકસ્‍માત અંગે તપાસ ચલાવી રહી છે.

 

(1:20 pm IST)