Gujarati News

Gujarati News

News of Monday, 30th January 2023

આદિત્‍યાણા : સરકારી ગોડાઉનમાંથી વધારાના અનાજ જથ્‍થાની સીધી આટાં મીલોમાં સપ્‍લાઇ ?

રાણાવાવના સરકારી ગોડાઉનમાં અનાજ જથ્‍થામાં ઘટના પર્દાફાશની ઉંડાણપુર્વક તપાસ કરવામાં આવે તો કરોડોનું રાજયવ્‍યાપી કૌભાંડ બહાર આવે તેવી શકયતા

(પ્રકાશ પંડીત દ્વારા) આદિત્‍યાણા, તા., ૩૦: રાણાવાવમાં અનાજના સરકારી ગોડાઉનમાં રેશનકાર્ડ ધારકોને આપવાના અનાજના જથ્‍થામાં મોટી ઘટ થયાનો પર્દાફાશ થયા બાદ આ બાબતે ઉંડાણપુર્વક તપાસ કરવામાં આવે તો કરોડોનું રાજયવ્‍યાપી કૌભાંડ બહાર આવે તેવી શકયતા રહેલી છે.

આ કૌભાંડનો મુખ્‍ય આરોપી એવો અશ્વીન કિશન ભોયે અગાઉ ડાંગ જીલ્લામાં પણ ઉચાપત કરી ચુકેલ છે અને તે કરેલ ઉચાપતનો વિવાદ હજુ પણ ચાલુ છે અને કહેવાય છે કે તે ઉચાપતની રીકવરી પણ તેના પગારમાંથી કરવામાં આવી રહેલ છે. આવી રીતે સરકારી ઉચાપત કરેલ હોવા છતા તેને કરોડો રૂપીયાના માલની જવાબદારી કેમ સોંપવામાં આવી તે પણ પ્રશ્ન ઉભો થાય છે.

આ કેસની ફરીયાદમાં નોંધાવા મુજબ આ કૌભાંડનો સમયગાળો તો ર૦ર૦-ર૧ થી ૪-૧-ર૦ર૩ સુધીનો નોંધાયેલ છે. તો પ્રશ્ન એ થાય છે કે આ સરકારી ગોડાઉનમાં દર ત્રણ મહિને ઉચ્‍ચ અધિકારીઓ તપાસમાં આવતા હોય છે અને અનાજનો સ્‍ટોક ગણી સ્‍ટોક બરોબર છે કે કેમ તે અંગે તપાસ કરી વિઝીટ બુકમાં પોતાની સહી કરતા હોય છે. આ ર૦ર૦/૨૧ થી ર૦ર૩ ના સમયગાળામાં ઓછામાં ઓછી ઉચ્‍ચ અધિકારીઓએ આ ગોડાઉનની ૧૨ વખત તો તપાસ કરી હોવી જોઇએ અને આ ૧ર વખતમાં કયારેય સ્‍ટોક ઘટતો હોવાની આ વીઝીટ બુકમાં નોંધ કરવામાં આવેલ છે કે કેમ? ઉપરાંત ઘટની નોંધ કરવામાં ન આવી હોય તો આ કૌભાંડમાં ગોડાઉનનું  ઇન્‍સ્‍પેકશન કરનાર અધિકારી પણ જવાબદાર ગણાય કે નહી તે પ્રશ્ન ઉભો થાય છે. એક અધિકારીના જણાવ્‍યા મુજબ આ પ્રકરણમાં જો ઉંડાણભરી તપાસ કરાય તો હજુ ઘણુ બહાર આવી શકે છે વધુ તપાસ સીપીઆઇ વીકી ગોલવેનકર કરી રહેલ છે.

જાણકારોના જણાવ્‍યા અનુસાર આ એક કરોડ રૂપીયાનું અનાજ કૌભાંડ હજુ શરૂઆત છે.

રાણાવાવમાં થોડા સમય પહેલા સરકારી ગોડાઉનમાંથી અંદાજે એક કરોડ રૂપીયાનું અનાજ સગેવગે કરનાર આરોપીઓ રાણાવાવ પોલીસના સકંજામાં આવતા જાય છે.

આ કૌભાંડમાં સંડોવાયેલ આરોપી (૧) રાહુલ લખમણ કારાવદરા રહેવાસી આદિતપરા  (ર) પારસ સચદેવની ધરપકડ કરવામાં આવેલ હતી જેઓને કોર્ટમાં રજુ કરતા બે દિવસના રીમાન્‍ડ મળેલ હતા બાદમાં આજે આ બન્ને આરોપીઅને કોર્ટમાં રજુ કરવા જેલ હવાલે કરવામાં આવેલ છે. મળેલી હકીકતના આધારે અન્‍ય આરોપીઓ કે જેનો મુખ્‍ય રોલ રહેલ છે તેવો આરોપી અશ્વીન કિશન ભોયે કે જે રાણાવાવ ગોડાઉન મેનેજરની ફરજ બજાવતો હતો તેને પણ પકડી લેવામાં આવેલ છે.

સાથોસાથ વિજય ઉર્ફે જગદીશ લખમણ જીંજુવાડીયા, પ્રશાંત શશીકાંત મારૂ અને કેવલ સુરેશ ભુંડાળા એમ કુલ ૪ આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે. આ આરોપીઓને કોર્ટમાં રજુ કરી રીમાન્‍ડ માંગવાની તજવીજ શરૂ કરવામાં આવેલ છે. અત્‍યાર સુધીમાં કુલ ૬ આરોપીઓની ધરપકડ થયેલ છે. આ કેસની તપાસ રાણાવાવ સર્કલ પોલીસ ઇન્‍સ્‍પેકટર વિકી ગોલવેનકર કરી રહેલ છે.

વધુ તપાસ કરવામાં આવે તો હજુ મોટુ કૌભાંડ બહાર આવે તેવી શકયતા જણાય રહેલ છે. છેલ્લા બે વર્ષથી કોવીડના કારણે સરકાર તરફથી ગરીબ લોકોને મફત રાશન પરૂ પાડવામાં આવી રહેલ છે. ઉપરાંત વધારાના ગરીબી રેખા નીચે જીવતા પરીવારોને બે રૂપીયા કિંમતે ઘઉં અને ૩ રૂપીયે કિલો ચોખા આ વસ્‍તુ વધારાની છે.

હવે બને છે એવુ કે જે પરીવારોને મફત અને ર રૂપીયે કિલો ઘઉં અને ૩ રૂપીયે કિલો ચોખા અનાજ ન જોતુ હોય તેને સસ્‍તા અનાજના દુકાનદાર ૧૦ રૂપીયે કિલો ઘઉ અને ૧પ રૂપીયે કિલો ચોખા લેખે સીધુ અનાજનું પેમેન્‍ટ કરી દયે છે અને આ માલ જીલ્લાઓના ગોડાઉનમાંથી ડાયરેકટ આંટાની મીલોમાં સપ્‍લાઇ થઇ જાય છે. આ સરકારી અનાજ વધુ પૈસા લઇ વેચવાનું રાજયવ્‍યાપી કૌભાંડ ચાલી રહેલ છે. આ અંગે જો સીબીઆઇ તપાસ કરવામાં આવે તો વધુ કરોડો રૂપીયાનું કૌભાંડ બહાર આવે તેવી શકયતાઓ જાણકારો જણાવી રહેલ છે.

(2:46 pm IST)