Gujarati News

Gujarati News

News of Monday, 30th January 2023

મેમકા ગામે ચાર આરોપી ઝડપાયા

પઠાણી ઉઘરાણી કરવા બદલ

( ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ,તા.૩૦  : મેમકા ગામના યુવાને ધંધા માટે ૪૦ થી ૫૦ ટકાના વ્યાજે ૭ લોકો પાસેથી વ્યાજ પૈસા લીધા હતા. પરંતુ તા. ૨૦ થી ૨૪ ડિસેમ્બર-૨૦૨૨ દરમિયાન પઠાણી ઉઘરાણી સાથે મારી નાંખવાની ધમકી આપી મોબાઇલ પડાવી લેતા ભોગ બનનાર યુવાનની માતાએ પોલીસ મથકે ૨૭-૧-૨૦૨૩ના રોજ ફરિયાદ નોંધાવી હતી. જેમાં ગણતરીના કલાકોમાં વઢવાણ પોલીસે દબોચી લીધા હતા.

 વઢવાણ તાલુકાના મેમકા ગામના ભાવનાબેન જયેશભાઈ ચૌહાણે તા. ૨૭-૧-૨૦૨૩ના દિવસે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યા મુજબ તેમના દિકરા રવીએ વિજયભાઈ કણઝરીયા પાસેથી ૫૦ ટકાના વ્યાજે રૃ. ૧,૫૦,૦૦૦ લેતા વ્યાજના ૯૦,૦૦૦આપ્યા હતા.

 પ્રદીપભાઈ મીર પાસેથી ૫૦ ટકાના વ્યાજે ૩,૫૦,૦૦૦ લેતા વ્યાજના રૃ.૩,૦૦,૦૦૦ આપી દીધા હતા. અભિષેકભાઈ કલોભા પાસેથી ૪૦ ટકાના વ્યાજે રૃ. ૫૦,૦૦૦ લેતા વ્યાજના ૨૦,૦૦૦ આપી દીધા હતા. મેહુલભાઇ ઝાપડા પાસેથી ૪૦ ટકાના વ્યાજે ૧,૫૦,૦૦૦ લેતા વ્યાજના ૭૦,૦૦૦ આપી દીધા હતા. સંદિપભાઇ અગ્રાવત પાસેથી ૨૦ ટકાના વ્યાજે રૃ. ૭૦,૦૦૦ લેતા વ્યાજના રૃ. ૪૦,૦૦૦ ચૂકવી દીધા હતા. ઋતુભાઈ રબારી પાસેથી ૫૦ ટકાના વ્યાજે રૃ. ૨,૦૦,૦૦૦ લેતા વ્યાજના ૪૦,૦૦૦ આપી દીધા હતા.

 તેમજ વિશાલભાઈ ચૌહાણ પાસેથી ૩૦ ટકાના વ્યાજે રૃ. ૫૦,૦૦૦ લેતા વ્યાજના કટકે કટકે રૃ. ૨૦,૦૦૦ આપી દીધા હતા. તેમ છતા આ શખ્સો દ્વારા ભાવનાબેનના ઘરે જઇ તેમજ મોબાઇલ ફોન કરી વ્યાજની પઠાણી ઉઘરાણી કરી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હેરાન પરેશાન કરતા હતા. જ્યારે ઋતુભાઇ રબારી વ્યાજે પેટે ભાવનાબેનના દિકરાનો મોબાઇલ ફોન ધમકી મારી કઢાવી લીધાની ફરિયાદ કરી હતી. આ અંગેનો ગુનો નોંધી પીએસઆઈ ડી.ડી.ચુડાસમા, રવિન્દ્રસિંહ ડોડીયા, વિક્રમસિંહ, કરણસિંહ, જયપાલસિંહ સહિતની ટીમે તપાસના ચક્રોગતિમાન કર્યા હતા.

 આ વ્યાજખોરીના ગુનામાં ગણતરીની કલાકોમાં સુરેન્દ્રનગરના વિશાલભાઇ ત્રિકમભાઈ ચૌહાણ, મેમકા ગામના વિજયભાઈ મનસુખભાઈ કણઝરીયા, સંદીપભાઈ દિનેશભાઈ અગ્રાવત તેમજ રતનપરના અભિષેકભાઈ રમેશભાઈ કલોત્રાની ઝડપી લીધા હતા. ઝડપાયેલા આરોપીને વઢવાણ પોલીસ મથકે લાવી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

(12:07 pm IST)