Gujarati News

Gujarati News

News of Monday, 30th January 2023

મહાકાલબાપુ : પરમહંસ કક્ષા, પણ સામાન્‍ય અવસ્‍થા

કહેવાય છે કે ગિરનારમાં અઘોર કે કાપાલિક પંથના સાધુઓ રહી શકતા નથી. છતાં એ પણ સત્‍ય છે કે ગિરનાર પરની ઓઘડ ટૂંક પર બાબા કિનારામ અઘોરીનો વાસ હતો જ. થોડા વર્ષો અગાઉ થઈ ગયેલા બે મહાત્‍માઓ- ડામવાળાબાપુ અને મહાકાલબાપુની સાધના ધારા  પણ અઘોર કક્ષાની જ હતી. ગિરનારમાં પધારીને મહાકાલબાપુએ સહુપ્રથમ હનુમાનજીની સાધના કરી અને તેના પ્રતીક રૂપે ચાંદીની ગદા વસાવી ! એ પછી કોઈક સેવકે બાપુને બીજી ગદા પણ લઈ દીધી હતી. હનુમાનજી મહારાજની સાધના પૂર્ણ કર્યા પછી બાપુએ ભગવાન રામની સાધના કરી. આ બંને સાધનાઓ તેમણે સાત્‍વિક પદ્ધતિથી કરી હતી, પરંતુ આ પછી બાપુ મહાકાલીની શક્‍તિ સાધના તરફ વળ્‍યા હતા. પ્રસ્‍તુત સાધનામાં વામ માર્ગીય રીતિથી માંસ અને મદ્યનો પ્રયોગ વિહિત હતો, એટલે બાપુ તેમનો ઉપયોગ છૂટથી કરતા. બાપુ મૂળતો વૈષ્‍ણવ રામાનંદી સાધુ હતા અને તેમનું સાધુ જીવનનું મૂળ નામ ઉત્તમદાસ ગુરૂ ગૌતમદાસ હતું. બાપુ શામળા વાને, નીચા અને દુબળા પાતળા હતા. મહાકાલીની સાધના હોવાથી કાળાં વષાો ધારણ કરતા. વિશેષ કરીને કાળી કફની ધારણ કરતા. બાપુ ગિરનારની છેલ્લી ટૂંક પર મહાકાલીની ગુફામાં સાધના કરતા હોવાથી તેમનું નામ મહાકાલબાપુ પડ્‍યું. બાપુ ઘણી બધી ભાષાઓ જાણતા. કેટલીકવાર ન સમજાય તેવી ભાષામાં અસ્‍પષ્ટપણે બોલ્‍યા કરતા પણ તેઓ શું બોલે છે તે કોઈ સમજી શકતું નહીં. બાપુ મહાકાલીની ટૂંકે રહ્યા પછી, ગૌમુખી ગંગાથી પથ્‍થર ચટ્ટીના રસ્‍તે જતાં વચ્‍ચે હાલની મહાકાલબાપુની ગુફા આવે છે, ત્‍યાં સીડીની નીચે આથમણે પાણીના ટાંકા પાસેની ગુફામાં રહ્યા. તે પછી અત્‍યારે છે તે ગુફામાં આવ્‍યા. કેટલોક સમય બાપુએ આનંદગુફા અને અંબાજીના શિખર વચ્‍ચેના જંગલની બે-ત્રણ ગુફામાં પણ એકાંત સેવન કર્યું હતું.

 બાપુ અવધૂત હતા. તેમની કક્ષા પરમહંસની હતી. તેઓ પોતે શું કરતા તે વિશે જરાય સભાન ન્‍હોતા. તેઓ મિથ્‍યા પ્રલાપ કરતા હોય તેવું લાગે પણ એની પાછળ કોઈ ને કોઈ અદ્રશ્‍ય હેતુ અવશ્‍ય હોય. બાપુ વર્તમાનમાં બોલતાં હોય તે ભવિષ્‍યમાં અચૂક સાચું પડતું. બાપુની સમીપના સેવકોને આવા અઢળક અનુભવો થયા છે. બાપુના એક સેવક શાપુરના શ્રી અરજણભાઈ ત્રાંબડિયા હતા. તેઓ બાપુને નાના મોટા કાર્યમાં સહાયરૂપ થતા. તેઓ ગિરનાર પર બાપુને મળવા વારંવાર જતા. એકવાર અરજણભાઈ બાપુ સાથે બેઠા હતા ત્‍યારે બાપુ સાવ અચાનક અટહાસ્‍ય કરવા લાગ્‍યા. બાપુ તીવ્રતાથી ખડખડાટ હસતાં ત્‍યારે તેનો અવાજ દૂર નીચેનાં પગથિયાં સુધી સંભળાતો. અરજણભાઈએ બાપુને પૂછ્‍યું કે બાપુ, શું થયું ? બાપુએ કહ્યું કે દેખ બચ્‍ચા, ઉજ્જૈનમેં બહુત બડી આગ લગી હૈ. અરજણભાઈએ કહ્યું કે બાપુ, તો હવે શું થશે ? બાપુએ જણાવ્‍યું કે ‘કુલ નહિ હોનેવાલા, મહાકાલી વહાં પહુંચ ગઈ હૈ. અભી બારિસ હોનેવાલી હૈ તો આગ બુઝ જાયેગી.' બીજા દિવસે અરજણભાઈએ વર્તમાનપત્રમાં જોયું તો તેમાં સમાચાર હતા  : ‘ઉજ્જૈનમાં ભયંકર આગ કાબુમાં ન આવી પણ પછી યોગાનુયોગ વરસાદ થતા આગ બુઝાઈ ગઈ !'

જૂનાગઢમાં ગિરનાર ઉપરના કિલ્લા સમાન પ્રવેશદ્વારને પણ ઉપરકોટ કહે છે. અહીં એક ભીખાભાઈ કરીને સોની મહાજન સિક્‍યુરિટી ગાર્ડ તરીકે સેવા આપતા. તેમના વયોવૃધ્‍ધ બા પણ ત્‍યાં ગિરનાર પર જટાશંકરી ધર્મશાળામાં સેવા આપતા. પણ પછી માજીની તબિયત સારી ન રહેવાથી તેઓ નીચે જૂનાગઢ ઘરે આવી ગયાં હતાં. ભીખાભાઈ ક્‍યારેક ક્‍યારેક મહાકાલબાપુ પાસે ચલમ-પાણી કરવા જતા. એકવાર અરજણભાઈ અને ભીખાભાઈ બાપુ સાથે વાતો કરતા બેઠા હતા. ત્‍યારે બાપુએ સાવ અચાનક ભીખાભાઈને કહ્યું કે ભીખા, તું ઘર પર જા, તેરી મા ચલી ગઈ હૈ. પછી તો ભીખાભાઈ તાત્‍કાલિક ગિરનાર ઊતરીને ઘરે ગયા. જોયું તો સાચે જ તેમનાં બા ગુજરી ગયાં હતાં !

એકવાર બાપુએ એમના કેટલાક સેવકોની હાજરીમાં માંસ રાંધવા મૂક્‍યું ત્‍યારે ત્‍યાં એક ગૃહસ્‍થ બાપુને મળવા આવેલા. તેઓ ત્‍યાં અણગમાના ભાવ સાથે બેઠા. તેમના મનમાં સતત એક વાત ઘોળાતી હતી કે ‘બાપુએ આવું ન કરવું જોઈએ. મદ્ય અને માંસથી તો બાપુએ દૂર જ રહેવું જોઈએ.' થોડીવાર થઈ તો બાપુએ એ ભાઈને કહ્યું કે બેટા, ઉધર દેખ તો વો પક ગયા કિ નહીં ? હવે નાછૂટકે તે ભાઈને જોવા માટે ઊભું થવું પડ્‍યું. તેમણે ત્‍યાં જઈને જોયું તો તપેલામાં ગરમ ગરમ ભાત હતા !

બાપુ નિખાલસ અને નિર્દંભ હતા. કોઈ યાત્રિક આવી જાય તો તેમને જમવાનું કહેતા પણ સામેની વ્‍યક્‍તિ એમ કહે કે હું આ ખાતો નથી તો કદી ધરારી ન કરતા. બાપુને જાતિ-પાંતિ કે ધર્મના કોઈ બંધન ન્‍હોતા. બાપુને રાય અને રંક બધા સરખા હતા. ગિરનારમાં પધારતા સર્વે સંતો બાપુને મળવા ગુફાએ પધારતા. બાપુને ભાવનગરનો કોઈ હારૂન કરીને સેવક હતો તે બાપુનો બહુ ખ્‍યાલ રાખતો, તો જૂનાગઢના એક અત્‍યંત જાણીતા શેઠ પણ બાપુને  મળવા વારંવાર આવતા. એકવાર  શેઠ બાપુ માટે રાડો ઘડિયાળ લાવ્‍યા અને બાપુને કહ્યું કે ‘હું' તમારા માટે ઘડિયાળ લાવ્‍યો છું. આ સાંભળીને બાપુ ખિજાયા અને સીધો ઘડિયાળનો ઘા કરી દીધો. કહ્યું કે ‘તુમ હમારે લિયે કૈસૈ લાયે હો, તુમ્‍હારે પાસ ક્‍યા થા ? જો તેરે કુ દિયા હુઆ હૈ વો હમારા દિયા હુઆ હૈ.' પછી તો શેઠ બાપુની બધી જ વાતમાં હા પાડતા રહ્યા ! બાપુને તો આ બધો ક્ષણભરનો આવેશ હોય. થોડીવારમાં તો તે બધું જ ભૂલી જાય. બાપુને ઘણા બધા લોકો સોનાનાં  વીંટી, લકી, માળા, કડાં વગેરે આપી જતાં પણ બાપુને ઘરેણાં પહેરવાં હોય તો પહેરે નહિતર પોટલું વાળીને ગુફાની સામેના સાંકડા ઊંડા ભોંયરામાં ઘા કરીને નાખી દે ! રૂપિયાનો પણ બાપુ ઘા કરી દેતા. એકવાર  અરજણભાઈએ કુતૂહલવશ એ સાંકડા ભોંયરામાં પ્રકાશ કરીને જોયું તો કંઈ જોવામાં ન આવ્‍યું !બાપુ કહેતા કે ‘યે સબ માયા હૈ, હમારે કુછ કામ કી નહીં. યે લોગ ધંધા પાપ કા કરતે હૈ ઔર કમાઈ મેં સે કુછ સાધુ કો દેને આતે હૈ તો ક્‍યા ઐસા કર કે વો છૂટ જાવેગે ?'

 એકવાર અરજણભાઈ વરસતાં વરસાદમાં પલળતાં પલળતાં ગિરનાર ગયા. ઉપર ઠંડો પવન પણ બહુ હતો તેથી તેમને ભયંકર ટાઢ ચડી ગઈ. તેઓ ગુફા પહોંચ્‍યા ત્‍યારે ધ્રુજતા હતા. ગુફાએ ગયા ત્‍યારે બાપુએ અરજણભાઈને એક લાલ મરચું આપ્‍યું અને કહ્યું કે ‘બેટા, યે ખા જા.' મરચું ખાધા પછી અરજણભાઈને ગરમી ચડી ગઈ !

મહાકાલબાપુને તેમના સેવકો ઘણીવાર  ઘરે પધરામણી કરવા માટે લઈ જતા. બાંટવામાં તેમના એક સેવક પ્રભુદાસભાઈ સોની, માસ્‍તર કરીને રહેતા હતા. તેમણે બાપુને એકવાર બાંટવા બોલાવ્‍યા. બાપુ રાત્રે પ્રભુદાસભાઈના ઘરની અગાસીએ ચડી આંટા મારવા મંડ્‍યા અને પ્રભુદાસભાઈને ઉદ્દેશીને કહ્યું કે ‘એ માસ્‍તર...પોલીસ કે પટ્ટે લેકે આવ...' એ જમાનામાં પોલીસ પગની પીંડી પર ગોટલાં ન ચડી જાય તે માટે  કસરત દરમિયાન પટ્ટા બાંધતા. વળી બાપુએ કહ્યું કે ‘એ માસ્‍તર, એક બંદૂક લાવ...' પછી તો માસ્‍તર મૂંઝાયા કે બંદૂક કાઢવી ક્‍યાંથી ? તેથી તેમણે બંદૂકને બદલે એક લાકડી બાપુને પકડાવી દીધી !  એટલે બાપુ મંડ્‍યા શ્નાૃચપ્નડૐ રાઈટ, લેફટ રાઈટ કરવા.ઙ્ખ  પછી લાકડી વડે બંદૂકની માફક નિશાન તાક્‍યું અને બોલ્‍યા, ‘ધડ...ધડ...ધડ...! ચલી ગઈ...ચલી ગઈ...!' એટલે  બધાં હસવાં માંડ્‍યાં અને બાપુને પૂછ્‍યું કે કોણ ચલી ગઈ ? બાપુએ કહ્યું કે ‘લેફટ ચલી ગઈ...ઈન્‍દિરા શૂટ...!' બીજા દિવસે વર્તમાનપત્રોમાં ઈન્‍દિરા ગાંધીને તેમના શીખ અંગરક્ષકોએ ૩૧-૧૦-૧૯૮૪ના દિવસે ગોળી મારી હત્‍યા કરી તેના સમાચાર હતા !

બાપુની વય કેટલી હતી તે કોઈ જાણતું નહીં. ગિરનાર પર રહેતા એક નેવું વર્ષના માજીએ જણાવેલું કે હું સોળ વર્ષની વયે આણું વળીને આવી ત્‍યારે બાપુ જેવા લાગતા હતા તેવા જ આજે લાગે છે ! બાપુની વય સુદીર્ઘ હતી. સાવ સાધારણ માંદગીમાં વિ.સં. ૨૦૫૪ વૈશાખ વદી-૫ ને શનિવાર તા. ૧૬-૦૫-૧૯૯૮ના દિવસે મહાકાલીનું સ્‍મરણ કરતાં બાપુ દેવલોક પામ્‍યા. બાપુના અગ્નિ સંસ્‍કાર કરી ગુફાની અંદર જ અસ્‍થિફૂલ પધરાવી સમાધિ આપવામાં આવી.

સૌરાષ્ટ્ર નો અમર વારસો

: આલેખન :

ડો. જીત જોબનપુત્રા

મો. ૮૩૨૦૭ ૨૧૦૫૩

(11:52 am IST)