Gujarati News

Gujarati News

News of Monday, 30th January 2023

આમરણ પાસે પુલની રેલીંગ તોડીને નદીમાં ખાબક્‍યુ ટેન્‍કર ચાલક લાપતા

(મહેશ પંડયા દ્વારા) આમરણ તા. ૩૦ : આમરણ ખાતે આજે મોડી સાંજે કચ્‍છથી જામનગર તરફ જઇ રહેલું ઓઇલ ટેન્‍કર ડેમી નદીના પુલની રેલીંગ તોડી ૨૫ ફુટ જેટલી ઉંચાઇએથી નીચે નદીમાં આસરે ૪ થી ૫ ફૂટ ભરેલ પાણીમાં ખાબકયુ હતું. ઘટના સ્‍થળે પહોંચેલા લોકો દ્વારા બચાવ કામગીરી હાથ ધરાઇ છે પરંતુ હજુ સુધી ડ્રાયવરનો પત્તો લાગ્‍યો નથી.

વિગત મુજબ અહીંથી પસાર થતા જામનગર - કંડલા કોસ્‍ટલ હાઇવે પર પૂરઝડપે જઇ રહેલા ઓઇલ ટેન્‍કર નં. જીજે૧૨બીએકસ. ૪૬૯૭ના ચાલકે આમરણ પસાર કર્યા બાદ હનુમાનજીની દેરી પાસે સામેથી આવતી વેગનઆર ગાડીને ટેન્‍કર ચાલકે રોંગસાઇડમાં ચલાવી ઠોકર મારી હતી. બાદમાં આગળ જઇ રહેલા એક બાઇક સવારને પણ ઠોકર મારી હતી. આગળ જતા આમરણથી ૨ કિમી દૂર ડેમી નદીના પુલની રેલીંગ તોડી ટેન્‍કર પાણી ભરેલ નદીમાં ખાબકયું હતું. સદ્‌ભાગ્‍યે આ હિટ એન્‍ડ રન જેવી ઘટનામાં વેગનઆર ચાલક અને બાઇક પર સવાર બે વ્‍યકિતઓનો આબાદ બચાવ થયો હતો. બંને ગાડીઓને સામાન્‍ય નુકસાન થયું હતું. ઓઇલ ટેન્‍કર ચાલકની નદીના પાણીમાં શોધખોળ ચાલી રહી છે પરંતુ કોઇ પત્તો લાગ્‍યો નથી.

(11:39 am IST)