Gujarati News

Gujarati News

News of Tuesday, 30th January 2018

રાત્રે મહાઆરતી સાથે ગોંડલ અક્ષર દેરી સાર્ધ શતાબ્દી મહોત્સવનું સમાપન

૧૧ દિવસ દરમિયાન દેશ-વિદેશથી મોટી સંખ્યામાં ભાવિકો ઉમટયાઃ દર્શન, પુજન, અર્ચનનો લાભ લીધો

ગોંડલ તા.૩૦ : ગોંડલ અક્ષર મંદિર ખાતે આયોજીત અક્ષર દેરી સાર્ધ શતાબ્દી મહોત્સવનું આજે રાત્રીના ૧૦ વાગ્યે સંતોના હસ્તે મહાઆરતી સાથે સમાપન થશે. આ મહોત્સવ દરમિયાન દેશ-વિદેશથી લાખો ભાવિકો ઉમટયા હતા અને દર્શન, પુજન, અર્ચનનો લાભ લીધો હતો.

ગોંડલ ખાતે અક્ષર પુરૂષોતમ સ્વામીનારાયણ મંદિરના નાભી કેન્દ્ર સમા અને પુ.ગુણાતીતાનંદ સ્વામીના સમાધી સ્થળ એવા પ્રથમ અને પાવન અક્ષર દેરીને ૧પ૦ વર્ષ પુર્ણ થતા બીએપીએસ સ્વામીનારાયણ સંસ્થા દ્વારા તા.ર૦ શનિવારથી તા.૩૦ મંગળવાર અગીયાર દિવસીય શ્રી અક્ષર દેરી સાર્ધ શતાબ્દી મહોત્સવનું ભવ્ય આયોજન કરાયુ હતુ. કોટડા સાંગાણી રોડ ઉપર જુની રાજવાડીની વિશાળ જગ્યાના અંદાજે ર૦૦ એકર જમીન ઉપર સ્વામીનારાયણનગરની રચના કરાઇ હતી. જેનો પ્રવેશદ્વાર ભવ્ય અને કલાત્મક શૈલીથી બનાવાયો હતો. નગરની મધ્યમાં વિરાટ એવી ૭૦'' ઉંચી અને પ૦'' પહોળી અક્ષર દેરી બનાવાઇ હતી ઉપરાંત ગુરૂહરીના પ્રત્યક્ષ સાનિધ્યનો અનુભવ કરાવતી પુ.પ્રમુખસ્વામી મહારાજ તથા પૂ.યોગીજી મહારાજની વિરાટ પ્રતિમાઓ આકર્ષણનું કેન્દ્ર બનવા પામી હતી. ભારત વર્ષના મહાન સંતોની પુર્ણકદની પ્રતિમાઓ સાથેના અંત ઝરૂખા પણ દર્શનીય બન્યા હતા. મહોત્સવ દરમિયાન સાંજે તથા રાત્રે લાઇટ એન્ડ સાઉન્ડ શો દ્વારા પ્રતિદિન અક્ષર દેરીનો મહિમા અને ઇતિહાસ દર્શાવાયો હતો. ૧૮૦ સંતો દ્વારા મહોત્સવની છેલ્લા બે માસથી તૈયારીઓ કરાઇ હતી. આમ તો આયોજન માટે બે વર્ષથી પુર્વ તૈયારીઓ ચાલી રહી હતી. મહોત્સવની તૈયારીમાં ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્રમાંથી આવેલા અંદાજે ૧પ૦૦૦ સ્વયંસેવકો જહેમત ઉઠાવી રહ્યા હતા.

મહોત્સવમાં તા.રરના ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, ગર્વનર એ.પી.કોહલી, મંત્રી ભુપેન્દ્રસિંહ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

મહોત્સવ દરમિયાન રોજીંદા અંદાજે દોઢ લાખ જેટલા મુલાકાતીઓએ અક્ષર દેરી તથા સ્વામીનારાયણ નગરની મુલાકાત લીધી હતી. જયારે વિશાળ ભોજન કક્ષમાં રોજીંદા એક લાખ લોકો ભોજન પ્રસાદ મેળવતા હતા. મહોત્સવમાં વ્યસનમુકિત, પારીવારિક એકતા, સ્વચ્છતા અભિયાન સહિત એક હજાર દર્શકોની ક્ષમતા ધરાવતા છ જેટલા પ્રદર્શન ખંડો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.

મહોત્સવ માટે સૌરાષ્ટ્રના અગીયાર તાલુકામાંથી નવ લાખ ઘરે નિમંત્રણ પાઠવાયા હતા. મહોત્સવમાં બે હજાર સરપંચો, મંડળી પ્રમુખો તથા તાલુકા જીલ્લાના પ્રમુખોનું સંમેલન પણ આયોજીત કરાયુ હતુ. વિરાટ મહાપુજામાં દેશ-વિદેશથી હજારો હરિભકતો ઉપસ્થિત રહી પુજાનો લ્હાવો લીધો હતો. પરબ્રહ્મ ગુરૂ સમા યોગીજી મહારાજના નુતન યોગી સ્મૃતિ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવ પણ મહોત્સવમાં ઉજવાયો હતો. ગોંડલી નદીના કાંઠે મનોરમ્ય રિવરફ્રન્ટ સાથે આકાર પામેલુ સ્વામીનારાયણનગર મીડીયા દ્વારા દેશ-વિદેશમાં પ્રસિધ્ધ બનવા પામ્યુ હતુ.

(11:42 am IST)