Gujarati News

Gujarati News

News of Tuesday, 30th January 2018

મોરબી તાલુકામાં એસ. ટી. બસ પ્રજાના ઉપયોગી ટાઇમે ન ચાલતા રોષઃ ટ્રેન વ્યવહાર પણ બંધ

ચાંચાપર તા. ૩૦ :.. મોરબી - તાલુકાનાં શકત શનાળા -રજપરા, ચાંચાપર, ખાનપર, તેમજ આમરણ ચોવીસીના ગામડાની પ્રજાને વાહન વ્યવહરની સગવડ માટે રાજવીએ મોરબી તાલુકામાં મોરબી-ટંકારા તેમજ મોરબી-જેતપર, મોરબી-ખાનપર-આમરણ રોડ ને રોગેજ રેલ્વે શરૂ કરેલ તેનો ઉપયોગ ગ્રામ વિસ્તારની પ્રજા હોંશે હોંશે કરતી હતી. પણ રાજાશાહી બાદ આ પંથકની પ્રજાને મુશ્કેલીનો સામેનો કરવો પડી રહ્યો છે.

આ રેલ્વે લાઇનો બંધ કરવાનો નિર્ણય લેવાયો  તે વખતે પ્રજામાં ભારે ઉહાપોહ થયેલ સત્યાગ્રહો થયેલ ચાંચાપર -ખાનપર ગામના ગ્રામજનોએ જેલભરો આંદોલનો કર્યા હતાં. તે વખતના ધારાસભ્ય મોરબીના ગોકળદાસ પરમારે ચાંચાપર - ખાનપર ગામના ગ્રામજનોને જેલમાંથી છોડાવેલ હતાં.

હાલમાં પ્રજાને એસ. ટી. બસોની જોય તેટલી સગવડતા મળતી નથી. જે બસો ચાલે છે. તે પ્રજાને ઉપયોગી ટાઇમે ચાલતી નથી.

જેથી ખાલીખમ દોડયા કરે છે...!!

લોકશાહી મળ્યા પછી ઉત્તરોતર પ્રજાને ઉપયોગી સવલતો મળવી જોઇએ અને તેમાં વધારો થયો જોઇએ. પણ અહીં તો સગવડતાને બદલે અગવડતા થઇ રહી છે.

રેલ્વે બંધ થયાને આજે ૩પ થી ૪૦ વર્ષ વિતી ગયા છે. પણ મુંબઇથી અવારનવાર આ રેલ્વેની ટીકીટોના થપ્પાઓ આવ્યા કરે છે...!!   તેમજ રેલ્વેની  ટપાલો પણ આવે છે. જે પરત મોકલવી પડે છે...!!

રેલ્વે તંત્રનાં ચોપડે હજુ રેલ્વે ચાલતી હોવાની માહીતી મળે છે. જયારે રેલ્વે બંધ થયાને સારા વર્ષો વિતી ગયા છે.

ચાંચાપર વિસ્તારના સામાજિક કાર્યકર પત્રકાર ગીરજાશંકર જાનીએ કેન્દ્ર સરકરના રેલ્વે પ્રધાનને પત્ર પાઠવી મોરબી - આમરણ રોડ રેલ્વે ફરીથી શરૂ કરવા મગણી કરતો પત્ર પાઠવ્યો છે.

રાજપર ગામે મોરબીના રાજવીએ પ્રજાને સગવડતા મળે તેટલા વાસ્તે રાજપર ગામે એરોડ્રામ બનાવેલ. તેની ઇમારતો ઉભી છે. પણ લોકશાહી આવતા આ સુવિધા પણ ઝૂંટવાઇ ગયેલ છે.

રાજપર ગામનું એરોપ્લેન ઘર શરૂ કરવા કેન્દ્ર સરકારે તે વખતના રાજકોટ જિલ્લા કલેકટર પાસેથી માહીતી મેળવેલ. જિલ્લા કલેકટરે કેન્દ્રને માહીતી મોકલ્યાને આજે ૩-૩ વર્ષના વહાણા વાઇ ગયા છે. પણ રાજપર ગામનો એરોપ્લેન ઘરનો પ્રશ્ન અભેરાઇએ ચડી ગયો હોવાનું જણાય છે. આમ સુવિધાને બદલે લોકશાહી આવતા  હાલાકી વધી છે.

(11:35 am IST)