Gujarati News

Gujarati News

News of Friday, 29th December 2017

'સેવા'જયોત ઝળહળી... સાવરકુંડલાના ખુમાણ પરિવારે લોકડાયરાની ૧II લાખની રકમ અર્પણ કરી ગૌશાળાને

સુપુત્રોના લગ્નમાં ચાંદલા રૂપે આવેલા ૩ લાખ સામે ૩ લાખ ઉમેરી ૬ લાખ શૈક્ષણિક ભંડોળ માટે પણ મૂકયા

સાવરકુંડલા તા.૨૯: અહીના ખુમાણ પરિવારમાં તાજેતરમાં કુમારશ્રી પ્રદ્યુમનસિંહ પ્રતાપભાઇ તથા કુમારશ્રી મહાવિરસિંહ હનુભાઇ શુભલગ્ન પ્રસંગે, પોતાના અંગત પ્રસંગમાં પણ સમાજ ઉપયોગી બે સંકલ્પો કરી 'સેવા'જયોત ઝળહળાવાઇ હતી.

જે પૈકી લગ્ન પ્રસંગે યોજાઇ ગયેલા લોકડાયરામાં સુપ્રસિધ્ધ લોકગાયક કિર્તીદાન ગઢવી તથા માયાભાઇ આહિરે જમાવટ કરેલ. તેમા એકઠી થયેલ ધોળની રોકડ રકમ રૂ.૧,૫૧,૦૦૦ રાજુલા નજીક આવેલા મોરંગી સ્થિત હોડાવાળી ખોડીયાર ગૌશાળાના મહંત શેષનારાયણગીરી બાપુને અર્પણ કરી રાજવી પરિવારે ગૌ સેવાનું ઉદાહરણ પુરૂ પાડ્યુ હતુ.

ઉપરાંત બીજા સંકલ્પ રૂપે લગ્નચાંદલા ભેટ નીમીતે આવેલ રોકડ રકમ રૂ.૩,૦૦,૦૦૦માં પણ પોતાના પરિવાર તરફથી એટલી જ રોકડ રકમનો હિસ્સો ઉમેરી કુલ શૈક્ષણીક ભંડોળ રૂ.૬,૦૦,૦૦૦ કરેલ છે. જેમાંથી ભવિષ્યમાં કોઇપણ જ્ઞાતી કે જાતી કે ધર્મના નિરાધાર, વિધવા, ત્યકતા બહેનોના બાળકોના શૈક્ષણીક ઉત્કર્ષ માટે વાપરાવમાં આવનાર છે.

(3:33 pm IST)