Gujarati News

Gujarati News

News of Friday, 29th December 2017

એસ.ટી. બસના ડ્રાઇવર, કંડકટરની 'સજાગતા'એ મહિલાનો જીવ બચાવ્યો

ઓચિંતો છાતીમાં દુઃખાવો ઉપડી જતા બસ ડેપોએ લઇ જવાને બદલે સીધી ધોરાજીના દવાખાને પહોંચાડી 'માનવતા' દેખાડી

ધોરાજી તા.ર૯ : જામનગર વંથલી રૂટની ઉના જતી એસ.ટી. બસ નં.જીજે-૧૮-ર૪૮૦ ઉપડી ધોરાજી પાસે પહોંચવામાં થોડીવાર હતી ત્યારે જ મુસાફરી કરતી એક મહિલાને છાતીમાં જોરદાર દુઃખાવો ઉપડયો હતો.

આ અંગેની જાણ થતા વિજયભાઇ મજીઠીયાએ ડ્રાઇવર નિલેશભાઇને વાત કહેતા જ બસને ડેપોને બદલે સીધી ધોરાજીના સરકારી દવાખાને લઇ જઇ બેભાન હાલતમાં મહિલાને તાત્કાલિક ખસેડાઇ હતી. જયાંથી વધુ સારવારાર્થે જુનાગઢ ખસેડાયા હતા.જાણવા મળ્યા મુજબ મહિલાની તબીયત સુધારા ઉપર છે. બસના ડ્રાઇવર-કંડકટરની સજાગતાથી મહિલાને નવજીવન મળ્યુ છે. આ તકે માનવ સેવા યુવક મંડળના ધર્મેન્દ્ર બાબરીયા, ભોલાભાઇ સોલંકી અને એસ.ટી. તંત્ર દ્વારા બંને કર્મચારીઓની જાગૃતતાને બિરદાવી હતી.

(3:31 pm IST)