Gujarati News

Gujarati News

News of Wednesday, 29th November 2023

જામજોધપુરના જામ-સખપર ગામે ૮ લાખનો દારૂ ઝડપાયો

વાડીની ઓરડીમાં ચોરખાનું બનાવીને ભોંયતળિયામાં દારૂનો જથ્‍થો સંતાડેલી અવસ્‍થામાં મળી આવ્‍યોઃ આરોપી ફરાર

જામજોધપુર તા. ર૯: તાલુકાના જામ-સખપૂર ગામમાં જીતેન્‍દ્ર ગોકળભાઇ મારવાણીયાની વાડી આરોપી રાજુ નારણભાઇ મોરી એ ભાગમાં વાવેતર માટે રાખી છે. જે વાડીનાં મકાનમાં ઇંગલિશ દારૂનો મોટો જથ્‍થો ઉતારવામાં આવ્‍યો છે અને તેનું ખાનગીમાં વેચાણ થઇ રહ્યું છે, તેવી બાતમીના આધારે જામજોધપુરનાં પોલીસ ઇન્‍સ. વાય. જે. વાઘેલા અને સ્‍ટાફે વહેલી સવારે જામ-સખપુર ગામમાં પહોંચી જઇ દરોડો પાડયો હતો.

સૌ પ્રથમ ઓરડીમાં કશું જણાયું ન હતું, પરંતુ એક જગ્‍યાએ માટીનો ઢગલો હતો, જે હટાવીને ચેક કરતાં પ્‍લાસ્‍ટિકનું ઢાંકણ જોવા મળ્‍યું હતું. જેમાં ચોરખાનું હતું.

તે ખોલીને જોતાં અંદર ભોયતળિયું બનાવેલું હતું, અને સીડી મુકેલી હતી. જે સીડી વાટે અંદર ઉતરીને ચેક કરતાં દારૂના બોક્ષ જોવા મળ્‍યા હતા. જે ૧૩પ બોક્ષમાંથી ઇંગ્‍લિશ દારૂની ૧૬ર૦ નંગ બોટલનો માતબર જથ્‍થો મળી આવ્‍યો હતો.

આથી પોલીસ દ્વારા રૂ. ૮ લાખ ૧૦ હજારની કિંમતનો દારૂનો જથ્‍થો કબજે કરી લેવામાં આવ્‍યો હતો. જયારે આરોપી રાજુ નારણભાઇ મોરી હાજર મળી આવ્‍યો ન હતો. આથી પોલીસ દ્વારા આરોપી રાજુ મોરી ઉપરાંત દારૂ સપ્‍લાય કરનાર વગેરેની શોધખોળ ચલાવવામાં આવી રહી છે.

(12:28 pm IST)