Gujarati News

Gujarati News

News of Wednesday, 29th November 2023

પ્રેમ લગ્ન કરનાર પરિણીતાને પતિ, સાસુ, દિયરે માર મારી ત્રાસ આપ્‍યો

નગીચાણાની પરિણીતાની ફરિયાદના આધારે શીલ પોલીસે તપાસ હાથ ધરી

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ તા. ૨૯: પ્રેમલગ્ન કરનાર નગીચાણાની પરિણીતાએ ચા બનાવીને વાસીદુ કરવાનું કહેતા પતિ, સાસુ, દિયરે ઉશ્‍કેરાઈ જઈને પરિણીતાને માર મારી દુઃખ ત્રાસ આપ્‍યો હોવાની ફરિયાદ થતા શીલ પોલીસે તપાસ હાથ ધરી છે.

હાલ પિયરમાં રહેતા મીરાલીબેન ઉ.વ. ૨૧એ પછી એપ્રિલ ૨૦૨૩ના રોજ માંગરોળ તાલુકાના નગીચાણા ગુંદાળી સીમ વિસ્‍તારમાં રહેતા ગોવિંદભાઈ કરસનભાઈ પીઠીયા સાથે પ્રેમ લગ્ન કરેલ. પરંતુ લગ્નના છ મહિના સારી રીતે રાખ્‍યા બાદ છેલ્લા દોઢ મહિનાથી મીરાલીબેનને પતિ ગોવિંદભાઈ તથા સાસુ જીવતીબેન અને દિયર ભાવેશે ઘરકામ અંગે દુઃખ ત્રાસ આપવાનું શરૂ કર્યું.

સોમવારે સવારે મીરાલીબેન ઘરે ચા બનાવતા હતા ત્‍યારે પતિએ આવી વાસીદુ કરી નાખવાનું કહેતા પરિણીતાએ ચા બનાવીને વાસીદુ કરી નાખીશ તેમ કહ્યું હતું. જેથી પતિ, સાસુ અને દિયરે ઢીકાપાટુનો માર મારતાં મીરાલીને સારવાર માટે ખસેડવામાં આવી હતી.

આ અંગે શીલ પોલીસે ત્રણેય વિરુદ્ધ કલમ ૪૯૮એ, ૩૨૩, ૫૦૪, ૧૧૪ અને ૧૩૫ (૧) મુજબ ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી હતી.

(10:37 am IST)