Gujarati News

Gujarati News

News of Wednesday, 29th November 2023

જૂનાગઢમાં વધુ બે યાત્રિકના મોબાઈલ ફોન ચોરાયાઃ પોલીસ તપાસ

એકે ટ્રેનમાં ચડતા અને બીજાએ પરિક્રમામાં મોબાઈલ ગુમાવ્‍યો

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ તા. ૨૯: જૂનાગઢમાં વધુ બે યાત્રિકના મોબાઈલ ફોન ચોરાઈ ગયા હોવાની પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

રાજકોટ ખાતે રહેતા પીજીવીસીએલના સિનિયર ટેકનિશિયન પરેશભાઈ ધીરજલાલ ભટ્ટી ૨૫ નવેમ્‍બરે જુનાગઢ થી રાજકોટ જવા માટે સૌરાષ્ટ્ર જનતા એક્‍સપ્રેસ ટ્રેનમાં જુનાગઢ રેલવે સ્‍ટેશન પરથી ચડતા હતા ત્‍યારે અજાણ્‍યો ઈસમ તેમના શર્ટના ખિસ્‍સામાંથી રૂપિયા ૮,૦૦૦ની કિંમતનો મોબાઇલ ફોન અજાણ્‍યો ઇસમ મુસાફરોની ગીર્દીનો લાભ લઈને ચોરી ગયો હોવાની ફરિયાદ થતા રેલવે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

જયારે મોરબી જિલ્લાના રૂપાવટી ગામના ગોપાલભાઈ છગનભાઈ ગાંગાણી તેમના પત્‍ની તેમજ માતા-પિતા સાથે ગિરનારની લીલી પરિક્રમા કરવા આવ્‍યા હતા. અને ૨૩ નવેમ્‍બરે પરિક્રમા પૂરી કરીને ભવનાથથી દામોદર કુંડ તરફ જતા હતા.

ત્‍યારે ભીડનો લાભ લઈ અજાણ્‍યો ઇસમ ગોપાલભાઈના શર્ટના ખિસ્‍સામાંથી રૂપિયા ૧૮,૯૯૯ની કિંમતનો મોબાઇલ ફોન ચોરીને નાસી ગયો હતો. આ અંગેની ફરિયાદના આધારે ભવનાથ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(10:39 am IST)