Gujarati News

Gujarati News

News of Wednesday, 29th November 2023

જૂનાગઢ જિલ્લામાં ૩ વાહન અકસ્‍માતઃ ૨ વૃદ્ધા, ૧ વૃદ્ધનું મોત

રોડ પર યમરાજાનાં આંટાફેરા

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૨૯ : જુનાગઢ જિલ્લામાં ત્રણ વાહનો અકસ્‍માત સર્જાયા હતા જેમાં બે વૃદ્ધ અને એક વૃદ્ધનું મૃત્‍યુ નીપજયું હતું.

જેમાં વિસાવદરના હનુમાનપરામાં રહેતા સોનલબેન મુકેશભાઈ રાખોલીયા ઉ. વ. ૩૩ તથા તેમના સાસુ લાભુબેન અને પાડોશી લીલાબેન ભુપતભાઈ વઘાસિયા સોમવારની રાત્રે ૧૦ વાગ્‍યાના અરસામાં પગપાળા વિસાવદર ખાતે સતાધાર રોડ ઉપર આવેલ આર્ય સમાજ પાસે રામામંડળ જોવા માટે જતા હતા.

ત્‍યારે સતાધાર રોડ ઉપરથી પૂરપાટ ઝડપે આવેલી અજાણી બોલેરોના ચાલકે લાભુબેનને હડફેટેમાં લેતા તેનું ગંભીર થવાથી સ્‍થળ ઉપર જ મૃત્‍યુ હતું. આ અકસ્‍માત અંગે વિસાવદર પોલીસે ગુનો નોંધીને બોલેરો ચાલકની શોધખોળ હાથ ધરી છે.

અન્‍ય એક અકસ્‍માત રાત્રે વંથલીમાં સર્જાયો હતો. વંથલીના કેતનભાઇ જેન્‍તીભાઈ ભાભુ રસીલાબેન જેન્‍તીભાઈ કલોલા અને ચંદનબેન વિજયભાઈ મહેતા સાંજે વંથલીમાં જુનાગઢ રોડ પર આવેલ સ્‍વામિનારાયણ ગુરુકુળ નજીકનો રસ્‍તો ક્રોસ કરી રહ્યા હતા. ત્‍યારે જીજે-૦૬-એએકસ-૮૯૮૯ નંબરની ટ્રાવેલ્‍સ બસના ચાલકે બંને મહિલાને હડફેટમાં લેતા વૃદ્ધા રસીલાબેનનું ગંભીર ઇજા થવાથી મૃત્‍યુ નીપજયું હતું. જયારે ચંદનબેનને માથાના ભાગે ગંભીર ઇજા થતાં સારવાર માટે ખસેડવામાં આવ્‍યા હતા. આ અકસ્‍માત અંગે વંથલી પોલીસે ટ્રાવેલ્‍સ બસના ડ્રાઇવર સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી કરી હતી.

ત્રીજો અકસ્‍માત ભેસાણ તાલુકાના ખારચિયા અને રાણપુર ગામ વચ્‍ચે સર્જાયો હતો. જેમાં જીજે-૧૪-વાય-૨૪૦૫ નંબરની રિક્ષાના ડ્રાઇવર વાલાભાઈ હીરાભાઈ મહિડાએ રિક્ષાને પૂરઝડપે ચલાવતા રીક્ષા પલટી મારી ગઈ હતી. આ અકસ્‍માતમાં અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના ગમા પીપળીયા ગામના ધર્મેન્‍દ્રભાઈ પરમારના પિતા મેરામભાઇ નાજાભાઇ પરમારનું મૃત્‍યુ થયું હતું. અને યુવાનના માસી જેસીબેનને નાની મોટી ઈજા થયાની ફરિયાદ થતા ભેસાણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(10:39 am IST)