Gujarati News

Gujarati News

News of Monday, 29th November 2021

સક્કરબાગ ઝૂ ના પ્રતિબંધિત વિસ્તારમાં ખાનગી વાહનોમાં ગેરકાયદે સિંહ દર્શનમાં સ્ટાફ શંકાના પરિઘમાં

થાર જીપ તેમજ કાર સહિતના વાહનો પ્રવેશ્યા કેવી રીતે ?!

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ, તા. ૨૯ :. જૂનાગઢના સક્કરબાગ ઝૂ ના પ્રતિબંધિત વિસ્તારમાં ખાનગી વાહનોમાં ગેરકાયદે સિંહ દર્શનના મામલામાં ઝૂનો કેટલોક સ્ટાફ શંકાના પરિઘમાં હોવાની ચર્ચા થઈ રહી છે.

સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયના પ્રતિબંધિત વિસ્તારમાં ખાનગી વાહનોમાં ઘુસીને ૬ થી ૮ શખ્સો સિંહ દર્શન કરતા હોવાનો વિડીયો વાયરલ થતા હડકંપ મચી ગયો હતો.

સક્કરબાગ ઝૂ ના સિંહોના કોરન્ટાઈન પ્રતિબંધીત વિસ્તારમાં જીજે ૧૧-સીએચ ૦૦૯૩ નંબરની હિન્દ લખેલી થાર જીપ અને અન્ય કાર ઉપરાંત બે ટુ વ્હીલરમાં કેટલાક લોકોએ ઘુસી બિન્દાસ રીતે ગેરકાયદે સિંહ દર્શન કર્યાનો વિડીયો વાયરલ થતા વન વિભાગ દ્વારા તપાસ આદરવામાં આવી છે, પરંતુ તંત્ર દ્વારા કંઈ પણ સત્તાવાર રીતે જાહેર કરાયુ નથી અને તપાસ કરવામાં આવી રહી હોવાનું કહેવાયુ છે.

સક્કરબાગ ઝૂ નો પ્રતિબંધિત વિસ્તાર એવો છે જ્યાં જવા માટે ઝૂ ઓથોરીટીની મંજુરી જોઈએ અને આ વિસ્તારમાં પહોંચવા માટે ઝૂ ના મુખ્ય ગેઈટનો જ ઉપયોગ કરવો પડે. એટલે ખાનગી વાહનો ઝૂના પ્રતિબંધિત વિસ્તારમાં મુખ્ય ગેઈટ ખાતેથી જ પ્રવેશ્યા હોય શકે. આથી કોઈની પણ મીઠી નજર નીચે થાર જીપ અને અન્ય એક કાર ઉપરાંત બે ટુવ્હીલરમાં ૬ થી ૮ શખ્સોએ ગેરકાયદે સિંહ દર્શન કર્યુ હોય શકે.

આમ આ પ્રકરણમાં ઝૂનો કેટલોક સ્ટાફ શંકાના પરિઘમાં હોવાની શકયતા નકારી શકાતી નથી હાલ તો તપાસ ચાલી રહી છે જેમા શું બહાર આવે છે તે જોવાનું રહ્યું.

(12:46 pm IST)