Gujarati News

Gujarati News

News of Monday, 29th November 2021

સુરેન્દ્રનગર જીલ્લામાં પશુઓ ડમ્પી સ્કીન ડીશીઝ વાયરસનો ભોગ બન્યા : બિમારીમાં હુમલા જેવા નિશાન દેખાય

પશુ આરોગ્ય વિભાગ દ્વારા રસીની વ્યવસ્થા કરવા માંગ

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ,તા. ૨૯: સુરેન્દ્રનગર જીલ્લામાં ગાયોને તીક્ષ્ણ હથીયાર વડે થયેલી ઇજા જેવી આ ડમ્પી સ્કીન ડીશીઝ વાયરસ નામની બિમારી લાગુ પડી છે આ બિમારીમાં હુમલા જેવા જ નિશાન થાય છે આ વાયરસ ઓસ્ટ્રેલિયાનો છે. અહીંયા પ્રથમ વખત ગાયોમાં જોવા મળ્યો છે. જેથી રસીની વ્યવસ્થા કરી ગાયને અલગ કોરેન્ટાઇન કરવી જોઇએ સુરેન્દ્રનગર જિલ્લામાં કયાંય આ રસી ઉપલબ્ધ નથી પશુપાલકોએ સાવચેતી રાખવી પણ જરૂરી હોવાનું ધ્રાંગધ્રાના વેટરનરી તબીબે વધુમાં ઉમેર્યુ હતુ.

ધ્રાંગધ્રા શહેરમાં અનેક ગાયો ઉપર હુમલો કર્યો હોય એવી ગંભીર ઇજા દેખાતા આ હુમલાના બદલે ઓસ્ટ્રેલિયાનો લમ્પી વાયરસનો ગાયો ભોગ બન્યાનું ખુલતા વેટરનરી તબીબે આવી ગાયોને અલગ કવોરેન્ટાઇન કરવા માટે પશુપાલકોને તાકીદ કરી છે ત્યારે પશુ પાલકોમાં પણ ફફડાટ દેખાઇ રહયો છે.

ધ્રાંગધ્રા શહેરમાં તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હોય એવી ગંભીર ઇજાઓ વાળી આઠ ગાયો દેખાતા જીવદયાપ્રેમીઓએ સારવાર શરૂ કરી છે.ત્યારે બીજા દિવસે પણ વધારે ચાર ગાયો આવી જ સ્થિતિમાં મળી આવ્યા બાદ ધ્રાંગધ્રાના પશુ ચિકિત્સકે ખુલાસો કરતા જણાવ્યુ કે આ કોઇ ઇજા નથી, પરંતુ ઓસ્ટ્રેલીયાનો ગંભીર લમ્પી સ્કીન ડીસીઝ વાયરસ છે. આ વાયરસનો જે ગાય ભોગ બને એ ગાયને સોપારી જેવી ગાંઠ થયા બાદ ફૂટીને કોઇ તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હોય એવી ઇજા થાય છે. જેથી જે વિસ્તારમાં જયાં ગાયને આવી લમ્પી વાયરસની બિમારી દેખાય એ ગાયને તાત્કાલીક અલગ કવોરન્ટાઇન કરી વાયરસની રસી મુકાવવા માટેની વ્યવસ્થા કરવી જોઇએ.

ધ્રાંગધ્રા સાથે પાટડી સહિત અન્ય વિસ્તારમા પણ આ બિમારી વાયુવેગે ફેલાઇ રહી છે. ધ્રાંગધ્રામાં તો વધારે ગાયોને આ બિમારી ના ફેલાય એ માટે જયેશભાઇ ઝાલા, હેમંતભાઇ દવે સહિતના જીવદયાપ્રેમીઓ દરેક આવી ઇજાવાળી ગાયોની સારવાર કરી રહયા છે. બીજી તરફ પશુ ડોકટરોની ટીમ દ્વારા પણ અલગ-અલગ જગ્યાએ જઇ આ વાયરસ વધારે ના ફેલાય એ માટે કામગીરી કરાય એવી લોકો માંગ કરી રહયા છે.

(11:48 am IST)