Gujarati News

Gujarati News

News of Monday, 29th November 2021

અલંગ નજીકના કઠવા ગામે ફર્નિચરના ચાર પ્લોટમાં આગે બધુ જ ભસ્મીભૂત કર્યું

ભાવનગર તા.૨૯: તળાજા તાલુકાના કઠવા અલંગ રોડ પર આવેલ લોખંડ કટિંગ અને ચાર પ્લોટ ફર્નિચરના મળી કુલ પાંચ પ્લોટમાં આગએ નુકશાન કર્યુ છે.જેમાં ફર્નિચરના ચાર પ્લોટમાં આગે બધુજ ભસ્મીભૂત કરી દીધું હોવાનો પ્લોટ માલિકો દાવો કરી રહ્યા છે.આગ એટલી વિકરાળ હતી કે ગણતરીની મિનિટોમાજ ફર્નિચરનો સામાન બળીને રાખ થઈ ગયો હતો.પોલીસે જણાવ્યું હતુંકે આગ લાગવાનું કારણ એફ.એસ.એલની તપાસ બાદ જ બહાર આવશે.

અલંગ સોસિયા જહાજવાડા માં અંતિમ સફરે આવતા જાહજ માંથી નીકળતા ફર્નિચર અને જૂના ફર્નિચરને નવા રંગરૂપ આપી વેપાર કરતા ચાર પ્લોટમા આગ લાગી હતી.આ ચાર પ્લોટના માલિકો અલગ અલગ છે.જેમાં મૂળ દાકાના ગામના અને હાલ કઠવા રહેતા વલ્લભભાઈ ધરમશીભાઈ મકવાણા નો કુદરતી નામનો પ્લોટ છે.ત્યારબાદ સોસિયાના ધરમશીભાઈ ઓઘડભાઈ ઢાપા. બાદ અશોકભાઈ મકવાણા અને બાદ શૈલેષભાઈ ખરકનો થર્મોકલનો પ્લોટ છે. અકસ્માતે લાગેલી આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપઓ ધારણ કરી લીધું હતું.જેને લઈ કોઈ વ્યકિત અંદર જઇ માલસામાન બચાવી શકે કે અંદર જઇ આગ ઓલવી શકે તેવો કોઈજ મોકો મળ્યો ન હતો.જેને લઈ ફર્નિચર નો સામાન,તૈયાર ફર્નિચર અને થર્મોકલ બળીને રાખ થઈ ગયેલ.જેને લઈ લાખો રૂપિયાની નુકશાની પ્લોટ માલિકો ને ગઈ હોવાનો અંદાઝ લગાવાઈ રહ્યો છે.

ફર્નિચરનો પ્લોટ ધરાવતા વલ્લભભાઈ મકવાણા અને અશોકભાઈ મકવાણા એ આગ લાગવા પાછળ બાજુમાં આવેલ મહેતા પ્લોટ.નં ૩૨૦ એ.માં લોખંડ કટીંગ નું કામ ચાલતુંહોય ત્યાંથી તણખલો ઉડયો હોવાના કારણ બતાવવમાં આવ્યું હતુ. બીજી તરફ મહેતા પ્લોટના માલિક વીરેન્દ્રભાઈ રજનીભાઈ રે.ભાવનગર એ વાત કરતા પોતાના પ્લોટમાં જે સમયે આગ લાગી તે સમયે કટિંગ કામ બંધ હતું. આથી અહીંથી આગનો તણખલો ઉડવાની વાત નકારી કાઢી હતી.તેઓએ વિશેષમાં જણાવ્યું હતુંકે બાજુના ફર્નિચરના પ્લોટમાં આગ લાગવાના કારણે દીવાલ અને વાયરિંગને નુકશાન થયેલ છે.

અલંગ રૂરલ પો.ઇ ડી.પી પટેલએ અકસ્માતે આગ લાગી છે.જોકે આગની શરૂઆત કયાંથી થઈ અને કઈ રીતે લાગી તે એફ.એસ.એલની તપાસ બાદ જ ખબર પડશે તેમ જણાવ્યું હતું.આગ ઓલવવા તળાજા,ભાવનગર અને અલંગ ફાયરના વાહનો અને ટિમો કામે લાગી હતી.

ફર્નિચરના પ્લોટમાં ફોમ હોય છે.આ ફોમ પેટ્રોલ જેવું જવલનશીલ કામ કરે છે.આ ફોમના કારણે આગે જોત જોતામાં વિકરાળ સ્વરૂપ પકડી લીધેલ.જેના કારણે બે ચાર કિમિ.સુધી કાળા ડિબાંગ ધુમાડા નીકળતા હોવાનું જોવા મળતું હતું.

(11:30 am IST)