Gujarati News

Gujarati News

News of Friday, 29th November 2019

સુરેન્દ્રનગરના કલેક્ટર કે. રાજેશે કિર્તીદાન ગઢવી સાથે ઝવેરચંદ મેઘાણીનું ગીત કસુંબીનો રંગ લલકાર્યુ

અમદાવાદ :ગુજરાતમાં જે પણ આવે તે ગુજરાતીઓના રંગે રંગાઈ જતુ હોય છે. આવા અનેક પુરાવા છે. દક્ષિણ ભારતથી આવેલા લોકો હોય, ઉત્તર ભારતીયો હોય કે પછી બંગાળી, થોડા વર્ષોમાં જ તેઓ ગુજરાતી પરંપરાને આત્મસાત કરતા દેખાય છે. ત્યારે ગુજરાતના આઈએએસને ગુજરાતનો કસુંબી રંગ લાગ્યો છે. સુરેન્દ્રનગરના કલેક્ટર કે.રાજેશ લોકગાયક કીર્તિદાન ગઢવી સાથે ઝવેરચંદ મેઘાણીનું ગીત લલકારતા જોવા મળ્યા છે. જોતજોતામાં આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

હાલ કીર્તિદાન ગઢવીનો સુરેન્દ્રનગરના કલેક્ટર કે.રાજેશ સાથેનો એક વીડિયો સોશિયલ મીડિયા  પર લોકોની નજરે ચઢ્યો છે. જેમાં કીર્તિદાન ગઢવી લાગ્યો કસુંબીનો રંગ... ગીત ગાઈ રહ્યાં છે. તો તેઓની સાથે સુરેન્દ્રનગરના કલેક્ટર કે.રાજેશ પણ સૂર રેલાવી રહ્યાં છે. સુરેન્દ્રનગર કલેક્ટરને લાગેલા આ કસુંબીના રંગથી લોકગાયક કિર્તીદાન ગઢવી પણ જોતા રહ્યા. કે. રાજેશ અસલ કાઠિયાવાડી લહેકામાં ગીત ગાઈ રહ્યાં છે.

તમને જણાવી દઈએ કે, કે.રાજેશ મૂળ દક્ષિણ ભારતના છે. તેઓએ ગત વર્ષે 2018માં સુરેન્દ્રનગરના કલેક્ટર તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો. એક જ વર્ષમાં તેઓ ન માત્ર ગુજરાતી ભાષા, પરંતુ કાઠિયાવાડી લહેકો પણ શીખી ગયા છે. કીર્તિદાન ગઢવી સાથે તેઓ એવી રીતે સૂર રેલાવી રહ્યા છે, જાણે પોતે પણ ગુજરાતી હોય. આ વીડિયો જોઈને કોઈ ન કહી શકે કે તેઓ કાઠિયાવાડી નથી.

(4:35 pm IST)