Gujarati News

Gujarati News

News of Friday, 29th November 2019

સુરેન્દ્રનગરમાં બિન સચિવાલયની પરીક્ષામાં પરિક્ષાર્થી મોબાઇલ સાથે દેખાયો : કોંગ્રેસે સીસીટીવી ફૂટેજ જાહેર કર્યા

વઢવાણ, તા. ર૯ : આજે કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ પ્રેસ કોન્ફરન્સ કરીને તાજેતરમાં લેવાયેલી  બિન સચિવાલય કલાર્ક તથા ઓફિસ આસિસ્ટન્ટ વર્ગ-૩ની ૩૯૦૧ જગ્યાની પરીક્ષામાં ગેરરીતિ થઈ હોવાનો આરોપ લગાવ્યો હતો. તેના પુરાવા રૂપે સુરેન્દ્રનગરના બે સેન્ટરોના સીસીટીવી ફૂટેજ પણ જારી કર્યા હતા. સીસીટીવી ફૂટેજમાં એક પરીક્ષાર્થી મોબાઈલ સાથે પરીક્ષા આપતો દેખાયો હતો.

સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણની એસ.એમ વિદ્યાલયમાં ૧૨થી ૨ વાગ્યા સુધીની પરીક્ષા દરમિયાન એક યુવક ૧.૧૪વાગે કલાસરૂમ છોડીને બહાર જાય છે અને અંદાજે ૩૦ મિનિટ બાદ કલાસરૂમમાં પરત આવે છે અને આવ્યા બાદ ચિઠ્ઠીમાંથી જવાબ લખતો નજરે પડે છે.અન્ય એક કિસ્સામાં સી.યુ.શાહ ઈંગ્લીશ સ્કૂલમાં પણ મોબાઈલ ફોન અને નેટના ઉપયોગ પર પ્રતિબંધ હોવા છતાં એક યુવક ૧.૧૪ વાગે મોબાઈલ ફોનનો ઉપયોગ કરતો દેખાય છે અને પરીક્ષા પૂર્ણ થતાં જવાબવાહીનો ફોટો પોતાનો મોબાઈલમાં કેદ કરતો દેખાય છે.

આ સમગ્ર મામલાનો NSUI અને ગુજરાત કોંગ્રેસ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો હતો અને પરીક્ષા રદ કરવાની માંગણી કરવામાં આવી છે. ઉપરાંત રાજ્યમાં છેલ્લે લેવાયેલી ૧૧ પરીક્ષામાં ગેરરીતિ આચરાઈ હોવાનો આક્ષેપ કર્યો છે. સરકાર વિરુદ્ધ કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો હોવાનું પણ કોંગ્રેસે આક્ષેપ કર્યો છે. કોંગ્રેસ સરકાર પાસે તમામ કેન્દ્રોના સીસીટીવીની માંગણી કરી છે. આ મામલો મધ્યપ્રદેશના વ્યાપમ કૌભાંડથી પણ મોટું કૌભાંડ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. સમગ્ર મામલે સરકાર દ્વારા પગલાં લેવામાં નહીં આવે તો કોંગ્રેસે આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.

(4:09 pm IST)