Gujarati News

Gujarati News

News of Friday, 29th November 2019

જેતપુરના ડીવાયએસપી જે.એમ. ભરવાડની સુપ્રિમમાં રેગ્યુલર આગોતરા જામીન અરજી મંજૂર

અગાઉ વચગાળાના જામીન આપ્યા બાદ આજે સુપ્રિમે જામીન કાયમી કર્યા

રાજકોટ તા. ર૯ :.. જેતપુરના ડીવાયએસપી જે. એમ. ભરવાડની ધરપકડના થયેલ રેગ્યુલર આગોતરા જામીન અરજીને આજે સુપ્રીમ કોર્ટના જસ્ટીશ, દિપક ગુપ્તા અને અનિરૂધ્ધ બોક્ષની ખંડપીઠે મંજૂર કરીને કાયમી આગોતરા જામીન મંજૂર કરવાનો હુકમ કર્યો હતો.

અત્રે એ ઉલ્લેખનીય છે કે, અગાઉ સુપ્રિમ કોર્ટે વચગાળાના આગોતરા જામીન આપેલ હતાં જેની સામે તપાસનીશ અધિકારીએ સોગંદનામુ કર્યુ હતું. પરંતુ સુપ્રિમ રજૂ થયેલ. કેસ કાગળોને ધ્યાને લઇને વચગાળા જામીન બાદ રેગ્યુલર આગોતરા જામીન મંજૂર કર્યા હતાં.

આ અંગેની વિગત એવી છે કે, ધોરાજીના સુપેડી ગામે રહેતા દેશુરભાઇ નથુભાઇ રબારીએ એ. સી. બી.માં કરેલ ફરીયાદ મુજબ તેના મિત્ર યુવરાજસિંહનું નામ આર્મ્સ એકટના ગુનામાં ખુલેલ હોય તેને  મારકુટ નહિ કરવા પુછપરછ નહિ કરવા ડીવાયએસપી જે. એમ. ભરવાડના કહેવાથી કોન્સ્ટેબલ વિશાલભાઇ સોનારાએ દશ લાખની લાંચની માંગણી કરી હતી, અને રકઝકનાં અંતે આઠ લાખ આપવાનું નકકી થયું હતું.

આ મામલે ધોરાજીની કોર્ટે જે. એમ. ભરવાડને ભાગેડુ પણ જાહેર કરેલ અને કલમ ૭૦ હેઠળનું વોરંટ પણ નીકળેલ હતું.

આ કેસમાં ધરપકડથી બચવા ડીવાયએસપી જે. એમ. ભરવાડે સુપ્રિમમાં આગોતરા જામીન અરજી કરતાં પ્રથમ સુપ્રિમે વચગાળાની રાહત આપી હતી. ત્યારબાદ આજે રેગ્યુલર આગોતરા અરજી મંજૂર કરી હતી. આ કેસમાં જે. એમ. ભરવાડ વતી તેઓએ ખનન માફીયા વિરૂધ્ધ કડક કાર્યવાહી કરેલ પોતાને ખોટી રીતે સંડોવી દેવામાં આવ્યાની રજૂઆત કરી હતી.

આ કામમાં ડીવાયએસપી જે. એમ. ભરવાડ વતી એડવોકેટ તુષાર ગોકાણી, રીયન ગોકાણી, સ્તવન મહેતા, ગૌરાંગ ગોકાણી, કેવલ પટેલ, કૃષ્ણ પટેલ, અંશ ભારદ્વાજ, હાર્દિક શેઠ, હર્ષ ભીમાણી રોકાયા હતાં.

(3:39 pm IST)