Gujarati News

Gujarati News

News of Friday, 29th November 2019

બપોરે હાર્દિક પટેલ અને કોંગ્રેસના ધારાસભ્યોની ઉપસ્થિતિમાં હળવદમાં ખેડૂત સંમેલન

હળવદ, તા. ર૯ : મોરબી જિલ્લાના હળવદ ખાતે વેજનાથ મહાદેવ મંદિરે હળવદ કોંગ્રેસ અને હાર્દિક પટેલ દ્વારા ખેડૂતોના અવાજને બુલંદ કરવા આજે આંદોલન શરૂ કરવામાં આવનાર છે.

ખેડૂતોને ચોમાસામાં જ તેમ જ કમોસમી વરસાદથી નુકશાન થયું હોવા છતાં હાલ વીમો આપવામાં આવતો નથી. જેથી કોંગ્રેસના આગેવાન હાર્દિક પટેલ તેમજ કોંગ્રેસના અન્ય સાત ધારાસભ્યો તેમજ મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના પ્રમુખ સહિત નાઓની હાજરીમાં ખેડૂત અધિકાર સંમેલન યોજવાનું છે.

મોરબી જિલ્લામાં ચાલુ વર્ષે ૧પ૦% કરતા પણ વધારે વરસાદ થયો છે તો પણ આ જિલ્લાને અતિવૃષ્ટિ ગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો નથી અને ખેડૂતોને પાક વિમો ચૂકવવામાં આવતો નથી, જેથી કરીને કોંગ્રેસ ખેડૂતોની વહારે આવી છે અને ખેડૂતોએ ભરેલા વીમા પ્રીમીયમ સામે તેને પાક વિમો પૂરો મળે તેના માટે લડત શરૂ કરવામાં આવી છે તેમજ ખેડૂતોનું દેવું સંપૂર્ણ માફ કરવામાં આવે તેવી માંગ પણ હાલમાં કરવામાં આવી રહી છે.

કોંગ્રેસના આગેવાન હાર્દિક પટેલની હાજરીમાં મોરબી તેમજ સુરેન્દ્રનગર જિલ્લાના ધારાસભ્ય બ્રિજેશભાઇ મેરજા, લલિત કગથરા અને વાંકાનેર ધારાસભ્ય જાવેદ પીરઝાદા, સોમાભાઇ પટેલ, લાખાભાઇ ભરવાડ, નવસાદભાઇ સોલંકી, ઋત્વિકભાઇ મકવાણા, ખેડૂત અગ્રણી પાલભાઇ આંબલીયા, મોરબી જીલ્લા પંચાયતના પ્રમુખ કિશોરભાઇ ચીખલીયા, સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના પ્રમુખ કલ્પનાબેન ધોરીયા, મોરબી જીલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ હેમાંગભાઇ રાવલ સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં ખેડૂત અધિકાર સંમેલન અને સુધારણા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

(1:08 pm IST)