Gujarati News

Gujarati News

News of Friday, 29th November 2019

મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ રિપીટ થશે કે નવા? ભારે ઉતેજના

પ્રમુખ કડવા પાટીદાર સમાજના નિશ્વિતઃ લોબીંગ પુરજોશમાઃ રાઘવજીભાઇ ગડારા, કાંતિલાલ અમૃતિયા, દુર્લભજીભાઇ દેથરીયાના નામ ચર્ચામાં

મોરબી તા.૨૯: હાલના સમયમાં સૌરાષ્ટ્રના મહાનગરો સહીત નવેનવ જીલ્લામાં પ્રદેશ ભાજપ દ્વારા જીલ્લા ભાજપ પ્રમુખોની નિમણુકોને લઇને વિસ્તાર વિમર્શ મનોમંથન ચાલી રહ્યુ છે અને યજ્ઞ દ્વારા દાવેદારો દ્વારા પક્ષમાં આવેલ કામગીરી અને આવનારા સમયમાં પંચાયતની ચુંટણીઓથી માંડી પક્ષને વધુમાં વધુ ફાયદો કોણ કરાવી આપે, તેવા દાવેદારો અને તે ઉપરાંત મહત્વનું કહી શકાય તેવા જ્ઞાતિ ફેકટરોને ધ્યાનમાં લઇને કયા દાવેદારોને પક્ષપ્રમુખ તરીકે જાહેર કરવા તેના પર પ્રદેશ નેતાગીરી વિચાર વિમર્શ કરી રહી છે.

કાલે ચાર મહાનગરો સહિત સૌરાષ્ટ્રના નવેનવ જીલ્લાના જીલ્લા પ્રમુખોની જાહેરાત કરવા પુરી શકયતા જણાઇ રહી છે ત્યારે પક્ષના મનોમંથન અને વિચાર વિમર્શ વચ્ચે દાવેદારો પણ અંત સુધી લોબીંગ કરે તે પણ સ્વાભાવિક છે.

મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ તરીકે આજદિન સુધી રાઘવજીભાઇ ગડારા કાર્યરત છે ત્યારે કાલે પક્ષ દ્વારા જીલ્લા પ્રમુખનું પુનરાવર્તન થશે કે પરિવર્તન તે ચર્ચાએ મોરબી જીલ્લા ભાજપમાં જોર પકડયું છે.

અને રાજકોટના સાંસદ મોહનભાઇ કુંડારીયા પ્રદેશ ભાજપ સંરચના કન્વીનર તરીકે હોદા પર છે મોરબી તેનુ વતન છે.

સુત્રો દ્વારા જાણવા મળ્યા મુજબ હાલમાં મોરબી જીલ્લા ભાજપ પ્રમુખની નિમણુક માટે મોરબી જીલ્લામાંથી ત્રણની પેનલ પ્રદેશકક્ષાએ મુકવામાં આવી છે અને તે ત્રણ નામોમાં જીલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઇ ગડારા, પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા અને ભાજપ અગ્રણી દુર્લભજીભાઇ દેથરીયાના નામનો સમાવેશ થાય છે અને સ્વાભાવિક છે કે ત્રણે દાવોદારો દ્વારા જોરશોરથી પોતાના પર પસંદગીની મ્હોર લાગે તે માટે જોરશોરથી લોબીંગ કરી રહ્યા છે અને આજે જાહેરાત પૂર્વનો છેલ્લો દિવસ છે ત્યારે પણ તેઓના તેઓના પ્રયત્નો ચાલુ રહેશે પછી અતિમ નિર્ણયનો પક્ષના મોવડીઓના હાથમાં જ રહેશે.

જે ત્રણ ભાજપ અગ્રણીઓના નામની પેનલ મુકવામાં આવી છે. તેમાં ત્રણે ત્રણ દાવેદાર કડવા પાટીદાર સમાજના છે અને જાણવા મળ્યા મુજબ નવ જીલ્લામાંથી બે-ત્રણ જીલ્લામાં લેઉવા પટેલના નામની વિચારણા પક્ષ દ્વારા કરવામાં આવી તે સ્વાભાવિક છે, ત્રણથી ચાર જીલ્લામાં ઇતરકોમના પ્રમુખ નિમવામાં આવે તેવું પણ લાગી રહ્યું છે.

તેથી મોરબી જીલ્લા ભાજપના પ્રમુખ તરીકે કડવા પટેલ દાવેદાર પર પસંદગીની મ્હોર મારવાની શકયતા મહતમ બની જાય છે અને તે જાણકારોના મતે અનિવાર્ય પણ કરી શકાય.અતિ વિશ્વસનીય સુત્રો દ્વારા જાણવા મળ્યા મુજબ જયારે પણ પ્રદેશના જવાબદાર આગેવાનો દ્વારા ત્રણ નામની પેનલ અને પોતાના માનીતા દાવેદાર માટે લોબીંબ કરવામાં આવ્યું ત્યારે આગેવાનો દ્વારા આ ત્રણ નામ ઉપરાંતના પણ નામ આપો તેવો આગ્રહ રાખવામાં આવ્યો હતો. પરંતુ ત્રણ નામમાં કોઇ વધારો થયો નથી તે પણ એક હકીકત છે.

સુત્રો દ્વારા જાણવા મળ્યામુજબ મોરબીઇતર જ્ઞાતિમાંથીએક નામ સિનિયર ધારાશાસ્ત્રી અને ભાજપના દિગ્ગજ અગ્રણી એવા પ્રદિપભાઇ વાળા પણ કયાંક ચર્ચાય છે. જો પક્ષ ઇતર જ્ઞાતિને પ્રમુખપદ જાહેર કરે તો પરંતુ તે શકયતા બહું ઓછી જણાય છે કારણ કે પક્ષ દ્વારા અન્ય જીલ્લાઓમાં ઇતરજ્ઞાતીના પ્રમુખ નિમવા પડશે, માટે અને કડવા પાટીદાર સમાજના પ્રમુખ  પણ અનિવાર્ય છે. હા, પણ આ તો રાજકારણ છે, તમામ શકયતાઓને વહેતું રાજકારણ તેમાં ગમે ત્યારે ગમે તે થાય, શું થશે તેનું અનુમાન-આંકોડા લગાવી શકાય, દાવો કયારેય ન થઇ શકે!! તેનો તાજો જ દાખલો મહારાષ્ટ્રની નવનિયુકત સરકાર પુરો પાડે છે અને મોરબી જીલ્લાની જ વાત કરીએ તો ર૦૧ર વિધાનસભાની ચુંટણી પૂર્વે ટંકારાના ધારાસભ્ય પદે ચુંટાયેલા બાવનજીભાઇ મેતલીયા દાવેદાર પણ નહોતા, તેમણે વિચાર્યું પણ નહોતું અને પાટીએ અન્ય દાવેદારોની લડાઇમાં બાવનજીભાઇને ટીકીટ આપી આશ્ચર્ય સર્જી દીધું હતું.

લાખ વાતની એક વાત સંગઠન શકિતમાં માહેર આગામી ચુંટણીઓ પહેલાં પક્ષના સંગઠનને વધુમાં વધુ મજબુત બનાવી ચુંટણી પરિણામોમાં પક્ષને વધુમાં વધુ ફાયદો કરાવી આપે તેવા દાવેદારને જીલ્લા પ્રમુખ તરીકે પક્ષ જાહેર કરશે. કારણ કે પક્ષને, પક્ષના સંગઠનને મજબુત બનાવી પાર્ટીની ઉતરોતર પ્રગતિ કરતા રહેવું. તેમના માટે પણ જરૂરી છે. અંતે તો સતાના સંગ્રામ અને રાજકારણની વાત છે. તેમાં ગમે ત્યારે ગમે તે થઇ શકે!!

પરંતુ હા મોરબી જીલ્લા ભાજપ છાવણીમાં જયાં સુધી જીલ્લા ભાજપ પ્રમુખની નામની જાહેરાત નહિં થાય ત્યાં સુધી અનુમાનો, અટકળો, ચર્ચાઓનો દોર ચાલુ રહેશે.

(11:55 am IST)