Gujarati News

Gujarati News

News of Friday, 29th November 2019

જુનાગઢમાં વેપારીની પુત્રીના લગ્નમાં તસ્કરોનો તરખાટઃ કન્યાદાન માટેના દાગીનાની ચોરી

શ્રીજી પાર્ટી પ્લોટ ખાતે ધોળા દિવસે હાથફેરોઃ ર શખ્સો શંકાના દાયરામા

 જુનાગઢ તા.૨૯: જૂનાગઢમાં વેપારીની પુત્રીના લગ્નમાં તસ્કરોએ તરખાટ મચાવી કન્યાદાન માટેના દાગીના સહિત રૂ.૧.૪૫ લાખની મતાની ચોરી થતાં સનસની મચી ગઇ હતી.

શ્રીજી પાર્ટી પ્લોટ ખાતે ધોળા દિવસે થયેલી ચોરીમાં બે શખ્સો શંકાના દાયરામાં આવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

આ અંગેની વિગતો એવી છે કે, જુનાગઢમાં વણઝારી ચોક પાસે આવેલ ભગવતી એપાર્ટમેન્ટમાં રહેતા અને ચિતાખાના ચોકમાં જંતુનાશક દવાની દુકાન ધરાવતા વેપારી લોહાણ પ્રમેશભાઇ નાથાભાઇ રાજાની દિકરીના ગઇકાલે શહેરમાં ઝાંઝરડા ચોકડી નજીક આવેલ શ્રીજી પાર્ટી પ્લોટ ખાતે લગ્ન હતા.

રાજા પરિવારના સભ્યો સહિત મહેમાનો લગ્ન પ્રસંગમાં વ્યસ્ત હતા આ દરમ્યાન દિકરીના કન્યાદાનમાં આપવા માટે સોનાનાં દાગીના બ્રેસલેટ,વીંટી, ચેન અને લકી તેમજ રૂ.૨૫ હજારની રોકડ અને ચાંદલામાં આવેલ રૂ.૪૦૦૦ની રોકડ સહિત રૂ.૧.૪૫ લાખની માલમતા ગુમ જણાઇ હતી.

આથી પરિવારજનો સહિત મહેમાનોએ માલમતાની શોધખોળ કરેલ પરંતુ બપોરની આ ઘટનામાં કંઇ સફળતા ન મળતા  તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી.

જેના પગલે ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા, તાલુકા પી એસઆઇ કે જે પટેલ સહિતનો સ્ટાફ દોડી ગયો હતો.

પોલીસે લગ્નની વિડિયો ગ્રાફી અને ફોટો ગ્રાફી તપાસતા તેમાં બે અજાણ્યા શખ્સોની હિલચાલક શંકાસ્પદ જણાઇ હતી.

પોલીસે વેપારીની રૂ.૧.૪૫ લાખની ચોરી અંગે ફરિયાદ લઇ ધોરણસરની કાર્યવાહી કરી હતી.

આમ લોહાણા પરિવારની દિકરીના લગ્ન દરમ્યાન જ તસ્કરો કળા કરી જતાં હલચલ મચી ગઇ હતી.

વિશેષ તપાસ પી.એસઆઇ કે.જે.પટેલ ચલાવી રહ્યા છે.

(11:52 am IST)