Gujarati News

Gujarati News

News of Friday, 29th November 2019

જામનગરમાં બ્રિજની લંબાઇ ઘટાડી પ્રજાજનો સાથે છેતરપીંડી કરાઇ

જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રવકતા વાળાનો આક્ષેપ

જામનગર તા.૨૯ : જામનગર શહેરની ટ્રાફીક સમસ્યાના નિવારણ માટે ઓવરબ્રીજ બનાવવાની રજૂઆત બાદ સરકારે ઓવરબ્રીજ મુખ્ય ડીઝાઇનને બદલે ટુંકો બનાવી શહેરીજનો સાથે છેતરપીંડી કર્યાનો આક્ષેપ જીલ્લા કોંગ્રેસ સમિતિના પ્રવકતા ભરત વાળાએ કર્યો છે.

આ બાબતે સ્પષ્ટતા કરતા વાળાએ જણાવ્યુ છે કે જામનગર મનપાના શાસકો દ્વારા અંબર ચોકડીથી ગુરૂદ્વારા સુધી ફકત ૯૬૦ મીટરનો ટુકડો ફલાય ઓવર બનાવવાની જાહેરાત કરી છે. જામનગરની જનતા સાથે ફરી એકવાર છેતરપીંડી કરી છે તેમ જણાવેલ છે.

જામનગર શહેરની ટ્રાફીક સમસ્યા નિવારવા શહેરના પ્રવેશદ્વાર સુભાષપુલથી સાત રસ્તા સુધીનો ફલાયઓવરબ્રીજ બનાવવાનુ આયોજન વર્ષ ૨૦૧૩માં કરાયુ હતુ. ત્યારબાદ એકપણ બજેટમાં આ ઓવરબ્રીજ બનાવવાનુ કામ હાથ ધરવામાં આવ્યુ ન હતુ વારંવાર પ્રજાની માંગણી હતી આ રસ્તા પર ટ્રાફીકની સમસ્યા વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી છે.

ચોકકસહિત ધરાવતા લોકોના પ્રોજેકટ માટે આ ઓવરબ્રીજને ટુકાવીને સ્થાપિત હિતોને ફાયદો પહોચાડવા ઓવરબ્રીજનુ કદ ઘટાડી દેવામાં આવ્યુ છે ફરી પ્રજાની સુખાકારી માટે ભવિષ્યના આયોજન ઉપર પાણી ફેરવી દીધુ છે. ત્યારે મુળ આયોજન પ્રમાણે સુભાષબ્રીજથી સાત રસ્તા સુધીનો ફલાય ઓવરબ્રીજ બનાવવામાં આવે તેવી માંગણી કરવામાં આવે છે.

(11:49 am IST)