Gujarati News

Gujarati News

News of Thursday, 29th November 2018

આંબલિયાળા વિડી : સિંહણનું મૃત્યુ, મોતનો સિલસિલો જારી

તુસલીશ્યામ રેંજના રબારીકા રાઉન્ડની ઘટના : સિંહણનું મોત ઉંમરના કારણે થયુ હોવાનો વનવિભાગનો દાવો : સિંહ પ્રેમી જનતામાં સિંહોના મોતને લઇ આક્રોશ

અમદાવાદ,તા. ૨૯ : ખાંભાના તુલસીશ્યામ રેન્જના રબારીકા રાઉન્ડના આંબલિયાળા વિડીમાં ૧૧ વર્ષની સિંહણનું મોત નોંધાતા ભારે ચકચાર મચી ગઇ છે. આમ, ગીર અને તેની આસપાસના પંથકોમાં સિંહોના મોતનો સિલસિલો હજુ અટકવાનું નામ નથી લેતો, જેને લઇને હવે સિંહપ્રેમી અને વન્ય પ્રેમી જનતામાં સિંહોના આટલી મોટી સંખ્યામાં થઇ રહેલા મોતને લઇ ઉગ્ર આક્રોશ ભભૂકયો છે. એટલું જ નહી, સિંહોની સુરક્ષા અને સલામતીને લઇ રાજય સરકાર અને વન વિભાગના સત્તાધીશોની કામગીરી સામે પણ હવે ગંભીર સવાલો ઉઠી રહ્યા છે. એક પછી એક સિંહો મોતને ભેટી રહ્યા હોવાછતાં સરકાર કે વનવિભાગ કેમ કંઇ કરી શકતું નથી અને માત્ર પરિસ્થિતિ જોયા જ કરે છે અને સિંહોના મોત ગણ્યા કરે છે તેવો આક્રોશ સિંહપ્રેમીઓએ ઠાલવ્યો હતો. બીજીબાજુ, આજે તુલસીશ્યામ રેન્જના રબારીકા રાઉન્ડના આંબલિયાળા વિડીમાં ૧૧ વર્ષની સિંહણના મોત મામલે વન વિભાગે બચાવ કર્યો હતો કે, આ સિંહણનું મોત તેની ઉંમરને કારણે થયું છે.જો કે, પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ સિંહણના મોત પાછળનું સાચું કારણ સામે આવશે તેવું તંત્રએ સ્પષ્ટ કર્યું છે. ઉલ્લેખનીય છે કે, ગત સપ્ટેમ્બર માસમાં એક બાદ એક ૨૫ સિંહના મોત થયા હતા. એ પછી પણ સિંહબાળના અને સિંહ તેમ જ સિંહણના મોત ચાલુ રહેતાં સિંહોના મોતનો વિવાદ વધુ વકર્યો હતો.  દરમ્યાન એસીએફ(એડમિનિસ્ટ્રેશન ઓફ ફોરેસ્ટ) નિકુંજ પરમારે જણાવ્યું હતું કે, આ સિંહણને આ નવેમ્બર મહિનાની શરૂઆતમાં ગળાના ભાગે સારવાર આપવા માટે રેસ્ક્યુ કરવામાં આવી હતી. જો કે તે આ જ સિંહણ છે કે કેમ તે કહી શકાય નહીં. આ સિંહણને સારવાર આપવા દરમિયાન તેનામાં ચીપ લગાડી હોવાથી તેની એનિમલ કેરમાં તપાસ કરાવવાથી ખ્યાલ આવી શકે કે આ સિંહણ અગાઉ રેસ્ક્યૂ થઈ ચૂકી છે કે નહીં. વન વિભાગના અન્ય રેન્જના અધિકારીએ નામ ના આપવાની શરતે જણાવ્યું હતું કે કુદરતી માહોલમાં સિંહ કે સિંહણનું આયુષ્ય ૧૮થી ૨૦ વર્ષનું હોય છે. (ઝૂ, જંગલ અથવા આસપાસનું વાતાવરણ) પરથી સિંહ કે સિંહણનું મોત નક્કી થાય છે તેમજ ઘણીવાર ૧૨ વર્ષની ઉંમરમાં પણ સિંહ કે સિંહણનું મોત થઈ શકે છે. આમ, સિંહણના મોતને લઇ ગંભીર સવાલો ચોક્કસ ઉઠી રહ્યા છે. આગામી દિવસોમાં સિંહોના મોતનો વિવાદ વધુ વકરે તેવી શકયતા પ્રવર્તી રહી છે. બીજીબાજુ, સિંહપ્રેમી અને વન્ય પ્રેમી જનતાએ આ મામલે ન્યાયિક તપાસની માંગણી પણ ઉચ્ચારી છે.

 

(9:17 pm IST)