Gujarati News

Gujarati News

News of Thursday, 29th November 2018

રાજીવ સાતવનું જસદણ માટે માઈક્રોપ્લાનીંગ ! કોઈપણ ભોગે બાવળીયાને હરાવવા કોંગ્રેસ કટીબદ્ધ

૮ થી ૧૮ ડીસેમ્બર રાજ્ય પ્રભારી રાજકોટ-જસદણમાં નાખશે 'ધામા': કામ કરનારાની સંખ્યા વધશેઃ જસદણ શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં ધારાસભ્યો, પ્રદેશ હોદેદારોને જવાબદારી સુપ્રતઃ દિલ્હીથી કામગીરીનું 'ક્રોસ ચેકીંગ' !

રાજકોટ તા.૨૯:  જસદણ પેટાચૂંટણી જુના સાથી તથા પક્ષ છોડી ભાજપમાં પ્રવેશી કેબીનેટ મંત્રી બનેલા કુંવરજીભાઇ બાવળિયાને કોઇપણ ભોગે હરાવવા કોંગ્રેસ કટીબદ્ધ બની છે. રાજય પ્રભારી રાજીવ સાતવે પક્ષ પ્રમુખ તથા વિપક્ષી નેતા સાથે મળીને ''ઓપરેશન જસદણ'' માટે જબરૂ માઇક્રોપ્લાનીંગ કયુંર્ છે અને તેની અમલવારી આરંભી દેવાઇ છે. જસદણ શહેરના વનવોર્ડમાં કોંગ્રેસના ચુનંદા નવ ધારાસભ્યોને જવાબદારી સુપ્રત કરીને પ્રદેશ હોદેદારોને મદદમાં મુકાયા છે તો જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત .. પ્રદેશ હોદેદારોને જવાબદારી સુપ્રત કરાઇ છે અને સીધા દિલ્હી થી આ બધા આગેવાનોની કામગીરીનું કોસ ચેકીંગ પણ હાથ ધરાયું છે. કોઇપણ ભોગે બાવળિયાને હરાવવા કોંગ્રેસ કટીબદ્ધ બન્યાનો માહોલ સર્જાયો છે. ઉમેદવાર તરીકે અવસર નાકીયા અથવા મનસુખ ઝાપડીયાના નામ મોખરે છે.

કમલનાથ જયારે ગુજરાતના પ્રભારી હતા ત્યારે જે રીતે કોઇપણ સ્થાનિક નેતાના દબાણમાં આવ્યા વિના જે રીતે વટભેર કામગીરી પ્રદેશ કોંગ્રેસમાં થતી હતી તેવી જ રીતે હાલમાં નિર્ણયો લેવાઇ રહયાની છાપ કોંગ્રેસમાં ઉપસી રહી છે. રાજય પ્રભારી રાજીવ સાતવ દ્વારા અત્યંત ઝીણવટભર્યુ આયોજન કરાયાનું અને જસદણ બેઠક પર કુંવરજી બાવળિયાને હરાવી ૨૦૧૯ માટે જબરદસ્ત માહોલ ઉભંુ કરવાનું આયોજન ઘડી કાઢયાનું મનાય છે.

પ્રદેશના મહામંત્રી દરજ્જાના આગેવાનો તથા ધારાસભ્યોને પણ ૩ થી ૬ હજાર મતદાનવાળા વિસ્તારમાં કડક સુચના સાથે જવાબદારીઓ સુપ્રત કરાઇ છે. આ આગેવાનો જે તે વિસ્તારના કોંગ્રેસી આગેવાન, જનમિત્ર તથા કોંગી સભ્યોની યાદી સહિતની ફાઇલો સુપ્રત કરીને મજબુત કામગીરી કરવા માટેનું માર્ગદર્શન આપી દેવાયું છે.

મોટા શહેર કે ધારાસભા વિસ્તારની જવાબદારી સુપેરે નિભાવી શકે તેવા આગેવાનોને ત્રણ-ત્રણ ગામડાઓ કે સુધરાઇનાં એક-એક વોર્ડ સોંપાયા છે અને છેક દિલ્હીથી નિયમિત રીતે કરેલ કામગીરીની ઉઘરાણીઓ શરૂ કરી દેવાઇ છે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, વિધાનસભા વિપક્ષી નેતા પરેશ ધાનાણી સાથે સંકલન કરીને રાજીવ સાતવે હાલ માત્રનેમાત્ર જસદણ ઉપર જ ધ્યાન કેન્દ્રીત કર્યું છે.

રાજય પ્રભારી રાજીવ સાતવ આગામી તા. ૮ ડીસેમ્બરથી સંભવત ૧૮મી ડીસેમ્બર સુધી રાજકોટ ખાતે કંટ્રોલરૂમ ખોલીને અડીંગો જમાવશે અને જસદણની પેટાચૂંટણી ઉપર સતત નજર રાખશે.

જસદણ નગરપાલિકાના નવા વોર્ડમાં દરેક વર્ગની જવાબદારી એક ધારાસભ્યને સોંપાઇ છે તેમની નીચે પ્રદેશ હોદેદારો સહિતના નેતાઓની ફોજ ગોઠવાઇ છે.

ઉદાહરણ તરીકે વાત કરીએ તો પ્રદેશ ઉપાધ્યક્ષ ડો. હમાંગ વસાવડાને જસદણ પેટાચૂંટણીને અનુલક્ષીને ચૂંટણી પુરતા પ્રવકતા, પ્રદેશ અને સોશ્યલ મીડિયાની જવાબદારી સુપ્રત કરાઇ છે.

ધારાસભ્યો પુંજાભાઇ વંશ, વીરજીભાઇ ઠુમ્મર તથા સોમાભાઇ કોળીને જસદણના પ્રભારી બનાવાયા છે. જસદણના તમામ વોર્ડ એક-એક ધારાસભ્યને સોંપાયો છે. સહ પ્રદેશ મહામંત્રી અશોક ડાંગરને તાલુકા પંચાયત છાસીયા બેઠકની જવાબદારી સોંપાઇ છે. રાજકોટ શહેર પ્રમુખ મહેશ રાજપૂતને પણ એક તાલુકા પંચાયત બેઠકમાં કામગીરી સોંપાઇ છે. જસવંતસિંહ ભટ્ટીને જસદણ શહેરમાં જવાબદારી સુપ્રત થઇ છે. મુકેશ ચાવડા જસદણના પ્રભારી મંત્રી નિમાયા છે.

ટૂંકમાં કોંગ્રેસે જસદણની ચૂંટણીને પ્રતિષ્ઠાનો જંગ બનાવી કુંવરજીભાઇ બાવળિયાને પરાસ્ત કરવા કટીબદ્ધતા વ્યકત કરી છે.(૧.૧૧)

(11:47 am IST)