Gujarati News

Gujarati News

News of Thursday, 29th October 2020

હળવદમાં મગફળીના નીચા ભાવને લઇને ખેડૂતોએ કર્યો હોબાળો:હરાજી બંધ કરાઈ

આવકના ભરાવા વચ્ચે યોગ્ય ભાવ ન મળે ત્યાં સુધી હરરાજી બંધ કરવા રજૂઆત

મોરબી :હળવદ માર્કેટ યાર્ડમાં મોટી સંખ્યામાં ખેડૂતો કપાસ અને મગફળી વેચવા માટે આવી રહ્યા છે. ત્યારે ખેડૂતોને મગફળીનો ભાવ નીચો રહેતા ખેડૂતોએ હોબાળો મચાવ્યો હતો. ખેડૂતો માર્કેટ યાર્ડના સત્તાધીશોને રજૂઆત કરવા દોડી ગયા હતા અને હરરાજી બંધ કરવા જણાવાયું હતું. જેથી હરરાજી બંધ કરવામાં આવી છે. તો સાથે જ યાર્ડમાં મગફળીની આવકનો ભરાવો થયો છે.

રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે પણ મગફળી ખરીદી કરવામાં આવી રહી છે, પરંતુ તેના કરતાં ખેડૂતોને ઓપન બજારમાં સારો એવો ભાવ મળી રહેતો હોય. જેથી ટેકાના ભાવે મગફળી વેચવાને બદલે ઓપન બજારમાં ખેડૂતો મગફળી વેચવાનું વધુ પસંદ કરી રહ્યા છે. જો કે એકાએક 50 થી 60 રૂપિયાનો મગફળીનો ભાવ ગગડી જતાં ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો અને હળવદ માર્કેટ યાર્ડમાં હોબાળો મચાવ્યો હતો.

યાર્ડના સત્તાધીશો પાસે દોડી જઈને યોગ્ય કરવા રજૂઆત કરી હતી અને જણાવ્યું હતું કે, જ્યાં સુધી મગફળીના યોગ્ય ભાવ ન મળે ત્યાં સુધી માર્કેટયાર્ડમાં હરરાજી બંધ કરવામાં આવે. જેથી હળવદ માર્કેટ યાર્ડમાં મગફળીની હરાજી બંધ કરવામાં આવી હતી,તો એક દિવસમાં 13,000 મણ જેટલી મગફળીની આવક હળવદ માર્કેટ યાર્ડમાં નોંધાઈ છે.

(12:23 pm IST)