Gujarati News

Gujarati News

News of Thursday, 29th October 2020

જસદણ-આટકોટ ફોરલેન રોડનું કામ તાત્કાલિક પૂર્ણ કરવા લોક માંગણી

ગોકળ ગાયની ગતિએ ચાલતા કામ અને ધૂળની ડમરીઓથી લોકો પરેશાન

(ધર્મેશ કલ્યાણી દ્વારા) જસદણ,તા. ૨૮  : જસદણ-આટકોટ વચ્ચેનો રોડ છેલ્લા ઘણા વર્ષોથી બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયો હતો. જેના કારણે વાહનચાલકો ત્રાસી ગયા હતા. જેથી રાજયના કેબીનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ જસદણ-આટકોટ રોડને ફોરલેન બનાવવા માટે મંજુર કરાવતા જાન્યુઆરી મહિનામાં ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું. પરંતુ આ કામના કોન્ટ્રાકટર દ્વારા રોડની કામગીરી ગોકળ ગાયની ગતિએ કરવામાં આવતી હોવાથી વાહનચાલકો ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે.

હાલ જસદણ-આટકોટ રોડ પર દરરોજ બે હજારથી વધારે વાહનો પસાર થઈ રહ્યા છે. જસદણના લોકોને રાજકોટ, ગોંડલ, ભાવનગર, અમરેલી સહિતના શહેરોમાં જવા માટે તેમજ આટકોટ સાણથલી વિસ્તારના પંદરથી વધારે ગામડાના લોકોને તાલુકા મથક જસદણ આવવા માટે આ ખખડધજ રસ્તા ઉપરથી પસાર થવું પડે છે. આ રોડમાં મસમોટા ખાડાઓ પડી ગયા હોવાથી સતત ધૂળની ડમરીઓ ઉડી રહી છે. હાલ જસદણથી આટકોટ સુધીનો સાત કી.મી.નો રસ્તો કાપવામાં વાહનચાલકોને અડધો કલાક જેટલો સમય લાગી જાય છે અને આંખે ફરજીયાત ચશ્માં પહેરી પસાર થવું પડી રહ્યું છે. 

આ સમસ્યાનું વહેલી તકે નિવારણ કરવામાં આવે અને આ કામના કોન્ટ્રાકટરને વહેલી તકે રોડનું કામ પૂર્ણ કરવાની સુચના આપવામાં આવે તેવી આ રોડ પરથી પસાર થતા દરેક વાહનચાલકોની પ્રબળ માંગણી ઉઠવા પામી છે.

(10:19 am IST)