Gujarati News

Gujarati News

News of Tuesday, 29th October 2019

ટંકારા અને પડધરી પંથકમાં જબ્‍બર વરસાદી માહોલઃ અમુક વિસ્‍તારોમાં ધોધમાર તૂટી પડ્યોઃ રાજકોટ વિસ્‍તારમાં પણ અમી છાંટણાઃ ખેડૂતોમાં ફેલાઇ ભારે ચિંતા

રાજકોટઃ અત્‍યારે બપોરે સાડા ત્રણ વાગ્‍યા પછી સૌરાષ્‍ટ્રમાં ટંકારા અને પડધરી પંથકના શહેર-ગ્રામ્ય વિસ્‍તારોમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે અને ભારે વરસાદ ગાજવીજ સાથે તૂટી પડ્યો છે.

તલી અને મગફળી સહિતના પાકને મોટું નુકસાન થયાનું મનાય છે. માત્ર પંદર-વીસ મિનિટમાં અડધો ઇંચ વરસાદ પડી ગયાનું જયેશ ભટાસણા ટંકારાથી જણાવે છે.

ટંકારા અને આસપાસના વિસ્‍તારોમાં પણ બરફના કરા જેવા મોટા-મોટા છાંટા સાથે ધમાકેદાર વરસાદ પડ્યો છે.

રાજકોટ શહેર અને આસપાસના વિસ્‍તારોમાં પણ વાતાવરણ અચાનક કાળુ ડીબાંગ થઇ ગયું છે અને વાદળો છવાઇ ગયા છે. ગમે ત્‍યારે વરસાદ તૂટી પડે તેવું વાતાવરણ સર્જાયું છે.

જામનગરથી મુકુંદભાઇ બદીયાણી જણાવે છે કે પડધરી ટોલનાકાથી જાંબુડાના પાટીયા વચ્‍ચે આભ તૂટી પડ્યું હોય તેવો ભારે વરસાદ પડી રહ્યો છે. કમોસમી વરસાદથી ખેડૂતો ભારે ચિંતામાં મુકાયા છે.

(4:47 pm IST)