Gujarati News

Gujarati News

News of Monday, 29th October 2018

છબીલ પટેલ તું જ ખલનાયક છે, તારા પાપ બહાર આવશે

દુષ્કર્મનો ભોગ બનેલી પીડિતાનો ઉગ્ર આક્રોશ : પીડિત મહિલાએ વીડિયો રજૂ કરી અંતે વ્યથા વ્યકત કરી મને ન્યાયતંત્ર પર પૂરો વિશ્વાસ છે : પીડિતાની પ્રતિક્રિયા

અમદાવાદ, તા.૨૯ : તાજેતરમાં કચ્છના અબડાસાના પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલ સામે એક મહિલાએ દિલ્હીના દ્વારકા પોલીસમથકમાં નોંધાવેલી દુષ્કર્મની ફરિયાદ બાદ પીડિતાએ એક વીડિયો મારફતે પોતાની વ્યથા રજૂ કરી છે, જેને લઇ ભારે ચકચાર મચી છે. વિધવા મહિલાએ વીડિયોમાં રડતા રડતા પોતાની વાત રજૂ કરી છે કે, હા રાજકીય ખલનાયક તું જ છે, તારા સિવાય કોઇને ઓળખતી જ નથી. આ ખલનાયકનો રોલ તું જ ભજવી રહ્યો છે અને છબીલ તું જ ખલનાયક છે, તે જે જે પાપ કર્યા છે તે હવે બહાર આવશે. વિધવા મહિલા સાથે આટલું દુષ્કર્મ કર્યું છે અને તે રમત રમી રહ્યો છે, મને ન્યાય તંત્ર પર વિશ્વાસ છે અને દૂધનું દૂધ પાણીનું પાણી ન્યાય તંત્ર આ બધું સાબિત કરશે. દુષ્કર્મની ફરિયાદ મોડી કરવા અંગે કહ્યું કે, અત્યાર સુધી હું એવી માનસિકતાથી પીડાતી હતી કે હું એક વિધવા મહિલા છું. જો હું કોઇને વાત કરીશ તો મારી નિંદા થશે, મારી વાતો કરશે, જેથી હું આ વાત કોઇને કરી ના શકી. હવે મારામાં હિંમત આવી છે એટલે હું બહાર આવી છું. છબીલ પટેલે મારી સાથે જે દુષ્કર્મ કર્યું છે તે ૨૧ મહિને નહીં ૨૧ વર્ષે પણ બહાર આવશે. ફરિયાદમાં સમય અને તારીખમાં ફેરફાર અંગે ખુલાસો કરતા કહ્યું કે, સમય અને તારીખ બધું જ એફઆઇઆરમાં વિગતવાર છે. તે મને દિલ્હીમાં લઇ ગયો હતો તે સનાતન સત્ય છે, તેનું અને મારું મોબાઇલ લોકેશન પણ કરાવો જેનાથી સત્યની ખબર પડી જશે.  છબીલ પટેલે બન્નેના નાર્કો ટેસ્ટ કરાવવાના ફેંકેલા પડકાર અંગે મહિલાએ કહ્યું કે, હાં નાર્કો ટેસ્ટ કરાવવો જ પડશે, છબીલ તારો તો નાર્કો ટેસ્ટ થશે જ હું પણ નાર્કો ટેસ્ટ કરાવવા માટે તૈયાર છું. તારા નાર્કો ટેસ્ટ બાદ બધું બહાર આવશે, વાપી અને સેલવાસની મહિલાઓ મારા સુધી પહોંચી ગઇ છે. તેમની સાથે તે અન્યાય કર્યો છે ને? મારી હિંમત જોઇને તે પણ બહાર આવી  છે, છબીલ તારો નાર્કો ટેસ્ટ એકવાર નહીં વારંવાર કરાવવો પડશે. છબીલે ૭ લાખ રૂપિયા ક્યાંથી અને ક્યારે આવ્યા તે અંગે પીડિતાએ કહ્યું કે, એક વિધવા મહિલાના રૂપિયા લઇને તું હિસાબ માંગે છે. મારા જેવી ગરીબ વિધવા મહિલાઓએ પેટે પાટા બાંધીને, મજૂરી કરીને ભેગા કરેલા રૂપિયા માંગે છે. તે જે એનજીઓની લાલચ આપી હતી, તે એનજીઓનું રજીસ્ટ્રેશન કરાવવા માટે તે જ સાત લાખ રૂપિયા લીધા છે. અમે ગરીબ વિધવા મહિલાઓએ સાત લાખ રૂપિયા તને આપ્યા તે તું કેવી રીતે ખાઇ શકે? કુદરત તને ક્યારેય નહીં છોડે. ગરીબ વિધવાના સાત લાખ રૂપિયા કેવી રીતે હજમ કરી શકે? હવે તું કહે છે રૂપિયા ક્યાં આપ્યા અને કેવી રીતે આપ્યા? હું મીડિયાના માધ્યમથી ન્યાયતંત્ર પાસે એટલે રક્ષણ માંગુ છું કે છબીલ પટેલના માણસો દ્વારા મને વોટ્સએપ કોલિંગ પર મને અને મારા બાળકોને મારી નાંખવાની ધમકીઓ મળી રહી છે. હું ન્યાયતંત્ર પાસે મારું અને મારા બાળકોનું પ્રોટેક્શન પણ માંગી રહી છું. છબીલ પટેલના માણસો મને વારંવાર ધમકીઓ આપે છે અને મને તેના માણસોથી પણ એટલો જ ડર લાગે છે. તે લોકો મને મારી નાંખવાની ઘમકી આપે છે. અમદાવાદમાં સામાજિક સમારોહમાં તેની સાથે મુલાકાત થઇ હતી, ત્યાર બાદ તેણે મને નબળી સમજીને વિશ્વાસમાં લઇ લીધી. હું તમામ જગ્યાએ તેની સાથે મીટિગોમાં છું, આ આ રીતે અત્યારે તેનું પાપ છુપાવવા ભલે કહેતો પણ અમદાવાદમાં તેની સાથે સામાજિક સમારોહમાં મળ્યા બાદ અમદાવાદથી દિલ્હી તેની સાથે વિશ્વાસે આવી અને હવે તે તેનું પાપ છુપાવી રહ્યો છે.

(7:41 pm IST)