Gujarati News

Gujarati News

News of Monday, 29th October 2018

કોડીનારના સરખડીમાં નવનિર્મિત ગેસ : પ્લાન્ટ માટે લોક સુનવણી કાર્યક્રમ સંપન્ન

કોડીનાર તા. ર૯ :.. કોડીનાર તાલુકાના છારા અને સરખડી ગામના દરિયા કાંઠા વિસ્તારમાં શાપુરજી પાલોનજી ગ્રુપ દ્વારા નિર્માણ કરવામાં આવી રહેલા પોર્ટ ખાતે વેસ્ટ કોસ્ટ લીકવીડ ટર્મીનલ દ્વારા રૂ. ૧૪ર૬ કરોડના ખર્ચે ૧૦ એમ. એમ. ટી. પી. એ. ની ઉત્પાદન ક્ષમતા ધરાવતા એલ. પી. જી. ગેસ અને તેના સ્ટોરેજ માટે આજરોજ દ્વારા મુકામે જીલ્લા કલેકટર અને પોલ્યુશન બોર્ડના અધિકારીની ઉપસ્થિતીમાં પર્યાવરણીય લોક સુનવણીનું શાંતિ ભર્યા વાતાવરણમાં કાર્યક્રમ સંપન્ન થયો હતો.

આ કાર્યક્રમમાં પ્રોજેકટ અસરગ્રસ્ત હેઠળના છારા, પીપળી, કાજ, દેવળી, સરખડી, વેલણ, માઢવાડ સહિતના ગામોના લોકો ઉપસ્થિત રહ્યા હતાં. આ સિવાય પર્યાવરણની ચિંતા કરવા અને જાળવવા તજજ્ઞો પણ હાજર રહ્યા હતાં. પ્રોજેકટ આસપાસના ગામોના લોકોએ વેસ્ટ કોસ્ટ લીકવીડ ટર્મીનલ પ્રોજેકટ ને આવકાર્યો હતો. પરંતુ સાથો સાથ આ વિસ્તારના લોકોના આરોગ્ય-શિક્ષણ-રોજગારી પીવાના  પાણીની સમસ્યા-રોડ રસ્તા, સહિતના પ્રાથમિક, જીવન જરૂરીયાતના પ્રશ્નોને કંપની દ્વારા પ્રાધન્ય આપવામાં આવે તેની ચિંતા વ્યકત કરી હતી જે અંગે કંપનીના અધિકારીઓએ આ તમામ પ્રશ્નો અંગે લોકોની પ્રાથમિક જરૂરીયાત સંતોષવા બાંહેધરી આપી હતી.

જયારે પ્રોજેકટ ચાલુ થયા પછી આ વિસ્તારના માછીમારોને અન્ય જગ્યાએ હીજરત કરી ન જવી પડે તેની ચિંતા કરતા પ્રશ્નો સામે માછીમારોના આવાસ અને તેની આજીવીકા માટે પણ કંપની દ્વારા પુરતી મદદની ખાત્રી અપાઇ હતી. સુચિત પ્રોજેકટથી પર્યાવરણ ને થતા નુકશાનની ચિંતા કરતા પર્યાવરણ વાદીના પ્રશ્ન સામે કંપની મેનેજમેન્ટે જણાવ્યું હતું કે વિશ્વના વિકસીત દેશોમાં બનેલા આવા પ્રોજેકટને ધ્યાને લઇ પર્યાવરણીય પ્રભાવનું ઉચ્ચસ્તર અને વૈજ્ઞાનિક-કાનુની શરતોનું પાલન કરવા માટે બાંધકામ અને સંચાલનના તબકકા દરમ્યાન નિયમિત ધોરણે નિરીક્ષણ કરવામાં આવશે એ માટે સૌરાષ્ટ્ર એનવાપરો પ્રોજેકટ પ્રા. લી. જેવા નિષ્ણાંતોનુ સતત મોનીટરીંગ રાખવામાં આવશે તેવુ જણાવ્યું હતું. એકંદરે શાંતીપુર્ણ વાતાવરણમાં આ ટર્મીનલ પ્રોજેકટની પર્યાવરણીય લોક સુનવણી સંપન્ન થઇ હતી.

(12:11 pm IST)