Gujarati News

Gujarati News

News of Thursday, 29th September 2022

મોરબી: કીશનગઢ ગામે એલ.સી.બી.નો સપાટો : વિદેશી દારૂ ભરેલો ટ્રક ઝડપાયો.

રૂ. ૨૦ લાખથી વધુના મુદામાલ સાથે એક આરોપીની ધરપકડ

મોરબીમાં દારૂની હેરાફેરી કરવા ઈસમો બેફામ બન્યા હોય પરંતુ પોલીસની સમય સુચકતાના કારણે આ ઈસમો કાયદાના સકંજામાં આવી રહ્યા છે. જ્યાં તાજેતરમાં કીશનગઢ ગામે એલ.સી.બી. પોલીસે વિદેશી દારૂ અને બીયરની ૧૧૦૫૨ જેટલી બોટલ ભરેલ ટ્રકને ઝડપી પાડ્યો છે અને રૂ. ૨૦ લાખથી વધુના મુદામાલ સાથે એક આરોપીની ધરપકડ કરી છે.

આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર એલ.સી.બી. પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. એ દરમિયાન પો.હેડ કોન્સટેબલ નિરવભાઇ મકવાણા, પો કોન્સ. દશરથસિંહ પરમાર તથા ભરતસિંહ ડાભીને ચોક્કસ બાતમી મળી હતી કે, કીશનગઢ ગામ નજીક સોખડા ગામનો નયન રાયકાભાઇ ગઢવી નામનો વ્યક્તિ તેના માલિકીના ટ્રકમાં ડ્રાઈવર મદન અજુદી કન્ફેદી વિશ્વકર્મા પાસે દારૂના જંગી જથ્થાની હેરાફેરી કરવાની તૈયારીમાં છે. જેથી પોલીસે મોરબી માળીયા મિ. હાઇવેથી સોખડા ગામ તરફ જવાના રસ્તે કીશનગઢ ગામની સીમ પાસે વોચ ગોઠવી હતી. જ્યાં આરોપી ટ્રક ડ્રાઈવર મદન રૂ. ૭ લાખની કિંમતના ટ્રક નંબર-GJ-07-2-7524માં પસાર થતા પોલીસે તેને અટકાવ્યો હતો અને ટ્રકની તલાશી લેતા તેમાં વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની નાની મોટી કાચ/પ્લાસ્ટીકની કંપની શીલ પેક બોટલો તથા બીયરના ટીન સહિત રૂ.૧૩,૨૩,૬૦૦ની કિંમતની કુલ ૧૧૦૫૨ જેટલી બોટલો મળી આવી હતી.
જેને પગલે પોલીસે દારૂનો જથ્થો અને ટ્રક સહિત રૂ. ૨૦,૨૩,૬૦૦નો મુદામાલ જપ્ત કર્યો હતો, આરોપી ડ્રાઈવરની અટકાયત કરી મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન ધારા તળે ગુનો નોંધાવી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ કામગીરીમાં એન.એચ.ચુડાસમા, ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી.મોરબી, એ.ડી.જાડેજા પો.સબ.ઇન્સ.તથા એલ.સી.બી./ પેરોલ ફર્લો સ્કવોડ, ટેકનીકલટીમ, તથા AHTU મોરબીના સ્ટાફના માણસો સહિતના પોલીસકર્મીઓ જોડાયા હતા.

(12:35 am IST)