Gujarati News

Gujarati News

News of Thursday, 29th September 2022

ધોરાજીથી ભોળા ગામનો માર્ગ બિસ્માર : સત્વરે માર્ગ રીપેર નહી કરાઈ તો ગ્રામજનો દ્વારા ચૂંટણી બહિષ્કાર

બસ નહી આવતી હોવાથી વિદ્યાર્થીઓ અને મહિલાઓએ છકડો રિક્ષામા બેસવું ફરજિયાત: સત્વરે માર્ગ દુરસ્ત નહી કરાઈ તો ચૂંટણી બહિષ્કાર

(કિશોરભાઈ રાઠોડ દ્વારા )ધોરાજી :ધોરાજીથી ભોળા ગામ તરફ જવાનો રસ્તો અત્યંત બિસ્માર હાલતમાં હોવાથી ગ્રામજનો અને રાહદારીઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. અને રોડ મામલે ગ્રામજનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.
ધોરાજી થી ભોળા, છાડવાવદર તરફનો રસ્તો ગત ચોમાસા બાદ કફોડી હાલત માં ફેરવાઈ ગયો છે. જોકે અગાઉ પણ આ રસ્તાની સ્થિતી કદી વખાણવા લાયક રહી નથી. ભોળા અને છાડવાવદર નાં ગ્રામજનો રોડ રસ્તાની હાલત લઈ ભારે આક્રોશિત છે.
 ધોરાજી તરફ આવી રહેલ વિદ્યાર્થિનીઓએ મીડિયા સમક્ષ જણાવેલ કે ભોળા સુધીનો છ કિલોમીટર જેટલો રસ્તો ખખડધજ થઈ ગયો હોવાથી સરકારી બસ ની સગવડ સમયસર મળતી નથી. પરિણામે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ એ ઊંચા ભાડા આપી છકડો રીક્ષા ની જોખમી સવારી કરવી પડે છે. આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાંથી શહેરમાં હટાણું કરવાં જતી મહિલાઓને પણ ભારે સમસ્યા પડી રહી છે.
 આ સિવાય નબળા રસ્તાને કારણે વાહનમા પણ ભાંગતુટની ફરિયાદો રહે છે.
ગામનાં યુવાનોએ તેમજ ગ્રામજનોએ જણાવ્યુ હતું કે ભોળાંનો માર્ગ તાત્કાલીક અસરથી રીપેરીંગ ની કામગીરી કરવામા નહી આવે તો ગ્રામજનો ચૂંટણીનો બહિષ્કાર કરશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.

(8:44 pm IST)