Gujarati News

Gujarati News

News of Thursday, 29th September 2022

માણાવદરઃ ચેક રીટર્નના કેસમાં આરોપીને એક વર્ષની સજા અને વળતર ચુકવવા હુકમ

(પ્રશાંત રૂપારેલીયા દ્વારા) માણાવદર, તા,. ૨૯: ચેક રીટર્નના ગુન્‍હામાં આરોપીને દોષીત ઠરાવી વંથલી કોર્ટ આરોપીને દોઢ વર્ષની કેદની સજા અને રૂા. ૧૦ લાખ ફરીયાદીને વળતર પેટે ચુકવવા આદેશ અને વળતરના ચુકવે તો વધુ છ માસની કેદ સજા ફટકારી છે.

સદર કેસની હકીકત એવી છે કે આ કામના ફરીયાદી રાજન રામભાઇ ડાંગર રહે. ઓખા તા.વંથલી અને આરોપી ભરતભાઇ  સામતભાઇ ડાંગર, રહે. વેળવા તા. માણાવદર  બન્ને એક જ જ્ઞાતિના હોય અને આરોપી ભરત તથા તેમના ભાઇ માણાવદર મુકામે માધવ ટ્રેડર્સના નામે ખોળ તથા કપાસીયાના ખરીદ વેચાણનો મોટા પાયે વેપાર કરતા હોય ફરીયાદી અને આરોપી વચ્‍ચે સારો સબંધ બંધાયેલ ગત એપ્રિલ-ર૦૧૯માં અરોપીને ધંધાના વિકાસ સબબ (ખોળ-કપાસીયા) નો સ્‍ટોક કરવાના હેતુથી નાણાની જરૂરીયાત ઉભી થતા આરોપીએ રાજનભાઇ પાસેથી રૂા. રપ,૦૦,૦૦૦ અંકે રૂપીયા પચ્‍ચીસ લાખ પુરા હાથ ઉછીના લીધેલ. જે કાયદેસરની લેણી રકમ રૂા, રપ,૦૦,૦૦૦ અંકે રૂપીયા પચ્‍ચીસ લાખની ચુકવણી હેતુ આરોપી ભરતે  ફરીયાદી રાજનભાઇને એચડીએફસી બેંક માણાવદર શાખાના કુલ ત્રણ ચેકો પાકતી મુદતના આપેલ અને ચેક બેંકમાં રજુ કર્યેથી વટાઉ થઇ જશે તેવો વિશ્વાસ અને ભરોસો આપેલ બાદ ભરતે હાથ ઉછીના લીધેલ રકમ નિયત સમયમાં ફરીયાદીને ચુકવી આપેલ નહી.

આથી ફરીયાદીએ તેમની બેંકમાં ચેક કલીયરીંગ માટે નાખતા આરોપીને આપેલ  ચેક  રૂા. ૧૦,૦૦,૦૦૦ દસ લાખ પુરાનો ચેક આરોપીના ખાતામાં અપુરતુ ભંડોળ હોવાના લીધે પરત ફરેલ.

બાદમાં કાયદાકીય જોગવાઇ અનુસાર ફરીયાદીએ નોટીસ વહેવાર કરેલ પણ આરોપીએ ચેકની રકમ ચુકવેલ નહી જેથી ફરીયાદી રાજનભાઇએ તેમના વકીલ મયુર આર.શીંગાળા, માણાવદર મારફત વંથલી કોર્ટમાં ફોજદારી કેસ દાખલ કરેલ. જે કેસ ચાલી જતા વંથલી કોર્ટે ફરીયાદીના વકીલશ્રી દલીલો અને તેઓએ રજુ કરેલ જુદી જુદી હાઇકોર્ટ અને નામ. સુપ્રિમ કોર્ટના ચુકાદાઓને ધ્‍યાને લઇ વંથલી કોર્ટ આરોપી ભરતભાઇ સામતભાઇ ડાંગરને દોઢ વર્ષની સજા અને રૂા. ૧૦ લાખ ફરીયાદી રાજનભાઇએ વળતર પેટે ચુકવવા આદેશ ફરમાવેલ છે. અને જો વળતરની રકમ આરોપી ફરીયાદીને ના ચુકવે તો વધુ છ માસની સજાનો હુકમ ફરમાવેલ છે. જે ચુકાદાઓથી આર્થીક ગુન્‍હેગારોમાં ફફડાટ વ્‍યપી ગયેલ છે.

(1:54 pm IST)