Gujarati News

Gujarati News

News of Thursday, 29th September 2022

જુનાગઢમાં ઇનામી સ્‍કીમનાં ઓઠા હેઠળ ૪ લોકો સાથે રૂા.૬.૩૧ લાખની છેતરપીંડી

લક્ષ્મી જવેલર્સ સોની દંપતી સામે પોલીસમાં ફરિયાદ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.ર૯ : જુનાગઢમાં એક સોની દંપતીએ ચાર લોકો સાથે ઇનામી સ્‍કીમના ઓઠા હેઠળ રૂા.૬.૩૧ લાખની છેતરપીંડી આચરી વિશ્વાસઘાત કર્યો હોવાની ફરિયાદ થતાં ચકચાર મચી ગઇ છે.

જુનાગઢમાં નવા નાગર વાડામાં લક્ષ્મી જવેલર્સ નામની સોના-ચાંદીના દાગીનાની પેઢી ધરાવતા બિપીનભાઇ ધોળકીયા તથા ઉષાબેન બિપીનભાઇ ધોળકીયાએ ઠાકોરજીગ્રુપ નામનીઇનામી યોજના સ્‍કીમ શરૂ કરેલ.

બંનેએ લોભામણી સ્‍કીમ બહાર પાડી ઇનામી ડ્રો બહાર પાડવાના બહાને કોઇ ગ્રાહકના પૈસા જશે નહી અને તમામ ગ્રાહકોએ પેસા અથવા સોનાના દાગીના મળી જશે એવો વિશ્વાસ અપાવ્‍યો હતો.

આથી જુનાગઢનાં ગૌતમભાઇ હરસુખભાઇ કતકપરા પાસેથી રૂા.૧૦પ૦૦ તથા રૂા. બે લાખની કિંમતના સોનાના દાગીના તેમજ માયાબેન રાઠોડ પાસેથી રૂા.૧,પ૦,૮૦૦ તથા  હેમાંગભાઇ ચુડાસમા પાસેથી રૂા.૧.ર૦ લાખ તેમજ તેજસભાઇ ચુડાસમા પાસેથી રૂા.૧.પ૦ લાખ મળી કુલ રૂા.૬,૩૧,૩૦૦ સ્‍કીમના હપ્‍તા પેટે સોની દંપતીએ મેળવ્‍યા હતા.

પરંતુ બંનેએ આ ચાર લોકોને પૈસા કે દાગીના પરત નહી આપી નાસી ગયા હોવાની ફરિયાદ ગત રાત્રે ગૌતમભાઇ કતકપરાએ જુનાગઢ એ ડીવીઝન પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

આ ફરિયાદના આધારે પોલીસે બીપીન ધોળકીયા અને ઉષાબેન ધોળકીયા સામે છેતરપીંડી અને વિશ્વાસઘાતનો ગુનો નોંધીને ધોરણસરની કાર્યવાહી કરી હતી.

વિશેષ તપાસ એ ડીવીઝનના પીઆઇ એમ.એમ.વાઢેર ચલાવી રહયા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ સોની દંપતી છેલ્લા કેટલાક સમયથી ગુમ છે અને તેની સામે પોલીસ ફરિયાદ થતાં આગળ શું થાય છે તે જોવાનું રહયું

(1:47 pm IST)