Gujarati News

Gujarati News

News of Thursday, 29th September 2022

માતાના મઢમાં પતરી વિધિ કોણ કરશે? કચ્છના રાજવી પરિવારનો વિવાદ વકર્યો, બન્ને પક્ષનો દાવો

મ.કુ. હનુવંતસિંહજીએ હાઈકોર્ટનો ચુકાદો ટાંકી પોતે પતરી વિધિ કરશે એવું જણાવ્યું હતું, તો, મહારાણી પ્રિતીદેવીએ પતરી વિધિમાં અંતરાયનો ભય વ્યક્ત કરી ભુજ કોર્ટમાં દાદ માંગી

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૯ : માતાના મઢ મધ્યે આસો નવરાત્રિની પરંપરા પ્રમાણે આઠમ ના દિવસે રાજવી પરિવાર દ્વારા કરાતી પતરીની વિધિનો વિવાદ વકર્યો છે. એક બાજુ મ.કુ. હનુવંતસિંજીએ હાઈકોર્ટ આપેલા ચુકાદા અનુસાર પોતે પતરી વિધિ કરશે એવો દાવો કર્યો છે.  હાઇકોર્ટ દ્વારા ભુજ જિલ્લા અદાલતનો આદેશ રદ્દ કરી નીચલી અદાલત દયાપર નો ચુકાદો અસ્તિત્વમાં હોવાનું જણાવી તે મુજબ અસમર્થતાની સ્થિતિમાં પૂજા વિધિ રાજવી પરિવારના કુળવંશાનુક્રમે આવતાં નજીકના વ્યક્તિ રાજ કુટુંબના મુખ્ય વ્યક્તિ સાથે રહીને કરી શકશે. એ સંદર્ભે કચ્છના માજી મહારાવ મદનસિંહજી ના વંશજની રૂએ માતાના મઢ મધ્યે પતરી વિધિ પોતે કરશે એવું રાજવી પરિવારના મ.કુ. હનુવંતસિંહજી દ્વારા જણાવાયું હતું. 

દરમ્યાન બીજી બાજુ છાપામાં જાહેરાત દ્વારા કચ્છના રાજવી પરિવારના મોભી સ્વર્ગસ્થ પ્રાગમલજી ત્રીજાએ તેમની હયાતી દરમ્યાન તેમના નિયુક્ત કરેલ પ્રતિનિધિ મયુરધ્વજસિંહજી એ આ પતરી વિધિ મહારાણી પ્રીતિદેવી કરશે એવું જણાવ્યું છે. ગત વર્ષે રાજવી પરિવારના મોભી સ્વ. પ્રાગમલજી ત્રીજાનું નિધન થતાં અદાલતી કાર્યવાહી દરમ્યાન તેમના પત્ની તરીકે મહારાણી પ્રિતીદેવીને પતરી વિધિ કરવાનો હુકમ કોર્ટે કર્યો હતો.

હવે એક સાથે બન્ને પક્ષે પતરી વિધિ માટે દાવાઓ થતાં આ વિવાદ ગુંચવાયો છે. દરમ્યાન અવઢવ સાથે સર્જાયેલા વિવાદ વચ્ચે મહારાણી પ્રિતીદેવીએ ભુજ જિલ્લા કોર્ટમાં પોતાના વકીલ બી.એમ. ધોળકીયા અને પ્રફુલ પટેલ મારફત દાદ માંગી છે કે, તેઓ પતરી વિધિ કરે તે દરમ્યાન તેમને અંતરાય કે અટકાયત જેવા પરિબળ નો સામનો કરવો પડી શકે છે. આ અરજી બાબતે આજે ભુજ કોર્ટમાં સુનાવણી હાથ ધરાશે.

(11:50 am IST)