Gujarati News

Gujarati News

News of Wednesday, 29th September 2021

જુનાગઢના માંગરોળમાં વાવાઝોડાની શક્યતા: બંદરે ભયજનક 3 નંબરનું સિગ્નલ : ભારે પવનને લઈને કાંઠા વિસ્તારોમાં અલર્ટ

માછીમારોને કોઈ પણ સંજોગોમાં દરિયો નહીં ખેડવા માટે સૂચના: દરિયામાં ગયેલી બોટોને પરત બોલાવવા માટે પણ કામગીરી શરૂ

અમદાવાદ :  ગુજરાતમાં ગુરુવારે શાહીન વાવાઝોડું સક્રિય થવાનું છે ત્યારે ગુજરાતનાં જુદા જુદા દરિયાકિનારાઓને હાઇ અલર્ટ કરી દેવામાં આવ્યા છે. પોરબંદર બાદ હવે જુનાગઢનાં માંગરોળનાં બંદર પર પણ વાવાઝોડાની અસરને જોતાં ત્રણ નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. હાલમાં માછીમારોને કોઈ પણ સંજોગોમાં દરિયો નહીં ખેડવા માટે સૂચના આપવામાં આવી છે. આ સિવાય હાલ દરિયામાં ગયેલી બોટોને પરત બોલાવવા માટે પણ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.

   ગુજરાતમાં હવે શાહીન વાવાઝોડું આવતીકાલ સુધીમાં સક્રિય થાય તેવી પૂરેપૂરી સંભાવના છે ત્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આવી પરિસ્થિતિમાં દરિયો પણ તોફાની બની રહ્યો છે ત્યારે પોરબંદરનાં બંદર પર વરસાદની આગાહીના કારણે ત્રણ નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. આટલું જ નહીં માછીમારોને પણ વહેલામાં વહેલી તકે જે તે નજીકના બંદર પર પહોંચી જવા માટે સૂચના આપી દેવામાં આવી છે તથા હવે સમુદ્રમાં ન જવા માટે કહેવામાં આવ્યું છે.

(9:49 pm IST)