Gujarati News

Gujarati News

News of Wednesday, 29th September 2021

વાવાઝોડા અને વરસાદની ચેતવણીને પગલે કચ્છમાં બે દિ' દરિયા કિનારે જવા પ્રવાસીઓને મનાઈ, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

બીચ ઉપર જવા માટે અને માછીમારી કરવા ઉપર તા.૩૦/૯ અને ૧/૧૦ સુધી પ્રતિબંધ

ભુજ :  કેન્દ્ર સરકાર દ્વારા આગામી બે દિવસ માટે અપાયેલી સૂચના અનુસાર અરબી સમુદ્રમાં લો પ્રેસર એરીયા દક્ષિણ ગુજરાત અને ખંભાતના અખાત ઉપર સર્જાયેલ છે. જેના કારણે દક્ષિણ ગુજરાત અને ખંભાતના અખાતમાં ભારે પવન સાથે ભારે વરસાદની પરિસ્થિતિ આગામી ૨૪ કલાક દરમિયાન સર્જાયેલ છે. જેના કારણે દરિયાઈ વિસ્તારમાં ૪પ થી પપ કિ.મી. પ્રતિ કલાકથી વધતાં ૬પ કિ.મી. પ્રતિ કલાકની ઝડપ સુધી ભારે પવન ફુકાવાની સંભાવના રહેલ છે. જે આવતીકાલ તા.૩૦/૦૯/૨૦૨૧ ના વહેલી સવાર સુધી પવનની ઝડપ વધવાની સંભાવના છે.
જે આગાહી ધ્યાને લેતાં દરિયા કિનારાના જિલ્લાઓને એલર્ટ રહેવા તાકીદ કરવામાં આવે છે. જે અંતર્ગત કચ્છ જિલ્લાના દરિયા કિનારા પર પ્રવાસન અને મનોરંજન પ્રવૃત્તિઓ પર તાકિદની રીતે પ્રતિબંધ મુકવા જણાવાયું છે. દરિયા કિનારે આવેલ પ્રવાસન સ્થળો પર તથા નજીકના તમામ રોડ રસ્તાઓ ઉપર બીચ જેવી પ્રવાસન જગ્યાઓ પર પ્રવાસીઓ/પર્યટકો ન જવા તેમજ જિલ્લામાં આવેલ તમામ બંદરો, માછીમારી સ્થળો તથા બીચ પર બોટીંગ, ફીશીંગ જેવી પ્રવૃત્તિ પર વોર્નિંગ મુજબ આગામી તા.૩૦/૦૯/૨૦૨૧ અને તા.૦૧/૧૦/૨૦૨૧ સુધી પ્રતિબંધ ફરમાવેલ છે તેવું જિલ્લા આપત્તિવ્યવસ્થાપન કેન્દ્ર ભુજ-કચ્છ દ્વારા જણાવાયું છે.

(6:35 pm IST)