Gujarati News

Gujarati News

News of Wednesday, 29th September 2021

વિસાવદરમાં બે કલાકમાં દે ધનાધન ૪ ઇંચઃ લીલીયા-૩, કાલાવડ-રા, જામનગર-અમરેલીમાં ર ઇંચ

સૌરાષ્ટ્ર-કચ્છમાં અન્યત્ર ઝાપટાથી માંડીને દોઢ ઇંચઃ રાજકોટમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે હળવો-ભારે વરસાદ

રાજકોટ, તા., ર૯ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ગઇકાલ મોડી રાત્રીથી ધોધમાર વરસાદ શરૂ થયો છે. આ વરસાદ કયાંક ભારે તો કયાંક હળવો વરસી જાય છે. આજે બપોરે ર થી ૪ દરમિયાન જુનાગઢ જીલ્લાના વિસાવદરમાં ર કલાકમાં ધોધમાર ૪ ઇંચ વરસાદ વરસ્યો છે.

જુનાગઢના પ્રતિનિધિ વિનુ જોશી અને વિસાવદરના પ્રતિનિધિ યાસીન બલોચના અહેવાલમાં જણાવાયું છે કે વિસાવદરમાં બપોરે ર વાગ્યે ધોધમાર વરસાદ શરૂ થયો હતો અને ૪ વાગ્યા સુધીમાં ૪ ઇંચ વરસાદ ખાબકતા સર્વત્ર પાણી-પાણી થઇ ગયું હતું. અનેક નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. રોડ ઉપર પણ નદીઓ વહેતી હોય તેવી રીતે વરસાદી પાણી વહેવા લાગ્યા હતા.

આ ઉપરાંત કેશોદ-જુનાગઢ-ભેંસાણ અને વંથલીમાં ઝાપટાથી માંડીને અડધો ઇંચ વરસાદ વરસ્યો છે.

ખંભાળીયાના પ્રતિનિધિ કૌશલ સવજાણીના અહેવાલમાં જણાવાયું છે કે બપોરે ૩ વાગ્યા આસપાસ મેઘાવી માહોલ વચ્ચે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. આ વરસાદ કંટ્રોલ રૂમમાં ૭ મી.મી. નોંધાયો છે.

જામનગરના પ્રતિનિધિ મુકુંદ બદીયાણીના અહેવાલમાં જણાવાયું છે કે કાલાવડમાં અઢી ઇંચ તથા જામનગરમાં ર ઇંચ વરસાદ વરસ્યો છે. જયારે લાલપુરમાં એક ઇંચ અને ધ્રોલ તથા જામજોધપુરમાં ઝાપટા રૂપે વરસાદ પડયો છે.

અમરેલીના પ્રતિનિધી અરવિંદ નિર્મળના અહેવાલમાં જણાવાયું છે કે લીલીયામાં ૩ ઇંચ તથા અમરેલીમાં બે ઇંચ તેમજ વડીયા અને સાવરકુંડલામાં ૧-૧ ઇંચ તથા જાફરાબાદ-બગસરા-બાબરા-રાજુલામાં ઝાપટાથી માંડીને અડધો ઇંચ વરસાદ વરસ્યો છે.

કચ્છના પ્રતિનિધિ વિનોદ ગાલાના અહેવાલમાં જણાવાયું છે કે કચ્છના અંજાર અને ભચાઉમાં દોઢ ઇંચ તથા ગાંધીધામમાં પોણો ઇંચ વરસાદ પડયો છે.

ભાવનગરના પ્રતિનિધિ મેઘના વિપુલ હિરાણીના અહેવાલમાં જણાવાયું છે કે ભાવનગરના જેસરમાં અડધો ઇંચ તથા ગારીયાધાર-ઘોઘા-તળાજા-મહુવા અને સિંહોરમાં ઝાપટા વરસ્યા છે.

રાજકોટ જીલ્લાના જેતપુર અને જામકંડોરણામાં દોઢ ઇંચ તથા ગોંડલ-ધોરાજીમાં ૧-૧ ઇંચ તેમજ રાજકોટ અને પડધરીમાં અડધો ઇંચ વરસાદ વરસ્યો છે. જયારે ગીર સોમનાથ જીલ્લાના ઉના -ગીરગઢડા-તાલાળા અને સુત્રાપાડામાં ઝાપટા વરસ્યા છે.

(4:37 pm IST)