Gujarati News

Gujarati News

News of Wednesday, 29th September 2021

મુન્દ્રા ૨૧૦૦૦ કરોડના ડ્રગ્સ પ્રકરણ બાદ તંત્ર જાગ્યું : અપડેટ નહીં કરાયેલ એકસ્પોર્ટ ઇમ્પોર્ટ કોડ નિષ્ક્રિય કરાશે

૬/૧૦ સુધી માહિતી ઓનલાઇન અપડેટ નહી કરનાર ફોરેન ટ્રેડ નહિ કરી શકે : ડ્રગ્સ પ્રકરણમાં હજીયે બેંક એકાઉન્ટ : મની ટ્રાન્સફર સહિતના નાણાકીય વ્યવહારોની તપાસ બાકી

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૨૯ : કેન્દ્ર સરકારની આયાત નિકાસ માટેની ઉદાર વ્યાપાર નીતિનો લાભ લઈ ગોરખધંધો આચરી વ્હાઈટ કોલર દાણચોરી થઈ રહી છે. દેશના બંદરો ઉપર મિસ ડેકલેરેશન દ્વારા કસ્ટમ ડ્યુટી બચાવવા ભળતી ચીજ વસ્તુઓ બતાવી એકની બીજી વસ્તુઓ આયાત નિકાસ કરીને મોટા પાયે થઈ રહેલ વ્હાઈટ કોલર દાણચોરી સામે કડક પગલાં જરૂરી છે. મુન્દ્રા અદાણી પોર્ટ ઉપર ઝડપાયેલ ૨૧૦૦૦ કરોડના ડ્રગ્સ પ્રકરણે એ બતાવ્યું છે કે દેશવિરોધી તત્વો બેખોફ બની રહ્યા છે. મુન્દ્રા ડ્રગ્સ પ્રકરણમાં આયાતકાર પાર્ટી આશી. એન્ટરપ્રાઈઝ પ્રા..લી., વિજયવાડા દ્વારા ફોરેન ટ્રેડ અંગે કોઈ માહિતી અપડેટ નહોતી કરાઈ. વર્ષો પહેલાં નોંધાયેલી પાર્ટીઓ દ્વારા માહિતી અપડેટ કરાયા વગર થઈ રહેલ આયાત નિકાસ ઉપર નજર રાખવા હવે ખાસ નોટિસ બહાર પડાઈ છે.

ભારત સરકારના વ્યાપાર મંત્રાલયના ફોરેન ટ્રેડ વિભાગના ડેપ્યુટી ડાયરેકટર મોઈન અફકાઈએ જણાવ્યું છે કે, આયાત નિકાસના વ્યાપાર કોડ ધરાવતા દરેક ફોરેન ટ્રેડ કરનારાઓને તેમની વ્યાપારિક લેવડ દેવડ આયાત નિકાસ અંગેની માહિતી ઓનલાઇન અપડેટ કરવી પડશે. ૧/૧/૨૦૦૫ થી ૫/૧૦/૨૧ સુધીની માહિતી જે અપડેટ નહિ કરે તેમના ફોરેન ટ્રેડ માટેના કોડને ૬/૧૦/૨૧ થી નિષ્ક્રિય કરી દેવાશે. એટલે તેઓ ફોરેન ટ્રેડ કરી નહિ શકે.

જોકે, કેન્દ્ર સરકારની વ્યાપાર પ્રોત્સાહન નીતિનો લાભ લઈ આયાત નિકાસમાં ગોરખધંધા કરનારાઓ ઉપર વધુ કડક પગલાં ભરવા જરૂરી છે. વ્હાઈટ કોલર દાણચોરો સામે દેશદ્રોહ જેવા કાયદા લગાડવાની આવશ્યકતા છે. મુન્દ્રા ડ્રગ્સ પ્રકરણમાં ઇડીની તપાસ પછી બેંક એકાઉન્ટ કે મની ટ્રાન્સફર અંગેની તપાસના સમાચારો હજી બહાર આવ્યા નથી.

(11:58 am IST)