Gujarati News

Gujarati News

News of Tuesday, 29th September 2020

કોવિડ હોસ્પિ.ના આઈસોલેશન વોર્ડમાં આગ લાગતા ચકચાર

સુરેન્દ્રનગરની હોસ્પિટલની ઘટના : ફાયર બ્રિગેડ કાફલો ઘટનાસ્થળે દોડી જતાં આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરે તે પહેલા જ તેના પર કાબૂ મેળવી લેવાયો

સુરેન્દ્રનગર, તા. ૨૯ : સુરેન્દ્રનગર ખાતે આવેલી કોવિડ હૉસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં આગ લાગતા અફરાતફરી મચી જેવા પામી છે. પહેલા અમદાવાદ, જામનગર ખાતે હૉસ્પિટલોમાં આગ લાગી ચૂકી છે. હવે સુરેન્દ્રનગરની હૉસ્પિટલમાં આગ લાગતા અનેક સવાલો ઉઠી રહ્યા છે. જોકે, અહીં સદનસિબે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવતા કોઈ જાનહાની થઈ હતી. બીજી તરફ સુરેન્દ્રનગરની ગાંધી હૉસ્પિટલ સતત કોઈને કોઈ કારણને લીધે વિવાદમાં આવતી રહે છે. દર્દીની સારવાર હોય, ઓક્સિજન હોય કે પછી ગંદકીની વાત હોય, ગાંધી સિવિલ હૉસ્પિટલ હંમેશા ચર્ચામાં રહી છે.

મળતી માહિતી પ્રમાણે આજે સુરેન્દ્રનગરની કોવિડ હૉસ્પિટલમાં આગ લાગી ગઈ હતી. આગ ઇલેક્ટ્રિક શોર્ટ-સર્કિટને કારણે લાગી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જોકે, ફાયર બ્રિગેડનો સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી જતાં આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરે તે પહેલા તેના પર કાબૂ મેળવી લેવાયો હતો. કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલી કોવિડ હૉસ્પિટલમાં આગ લાગતા અફરાતફરી મચી જવા પામી હતી. તબીબો અને અહીં દાખલ થયેલા દર્દીઓમાં દોડાદોડી થઈ ગઈ હતી. બીજી તરફ કોવિડ ૧૯ હૉસ્પિટલમાં ફાયર સેફ્ટીનો પણ અભાવ જોવા મળ્યો છે. આગળ જુઓ રાજ્યમાં હૉસ્પિટલોમાં આગની ઘટનાઃ

ઓગસ્ટે અમદાવાદના નવરંગપુરા ખાતે આવેલી શ્રેય હૉસ્પિટલમાં લાગેલી આગને કારણે કોરોનાનાં દર્દીઓનાં મોત થયા હતા. આગ આઈસીયૂમાં લાગી હતી. આગની તપાસ માટે નિવૃત્ત ન્યાયાધીશના વડપણ હેઠળ એક તપાસ સમિતિની પણ રચના કરવામાં આવી છે. ઉપરાંત હૉસ્પિટલના માલિક સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

૧૨ ઓગસ્ટે છોટાઉદેપુરના બોડેલી ખાતે આવેલી કોવિડ ૧૯ હૉસ્પિટલમાં આગની ઘટના સામે આવી હતી. આગ શોર્ટ-સક્રિટને કારણે લાગી હતી. વહેલી સવારે આગ લાગી હતી. બોડેલી ઢોકલીયા પબ્લિક હોસ્પિટલને કોવિડ હૉસ્પિટલ બનાવવામાં આવી છે, અહીં તાલુકાના પોઝિટિવ દર્દીઓને રિફર કરવામાં આવે છે. વહેલી સવારે કોરોનાના દર્દીઓ સારવાર હેઠળ હતા ત્યારે એક રૂમમાં સોર્ટ સર્કિટને કારણે આગ લાગી હતી. જે બાદમાં દર્દીઓને રૂમમાંથી બીજા રૂમમાં ખસેડવામાં આવ્યા હતા.

(10:09 pm IST)