Gujarati News

Gujarati News

News of Tuesday, 29th September 2020

જૂનાગઢના કોવિડ સેન્ટરમાંથી ફરાર થયેલ જેલના કેદીની શોધખોળ

અગાઉ પણ એક આરોપી નાસી ગયેલ

જુનાગઢ, તા. ર૯ : જુનાગઢના ભવનાથ સ્થિત કોવિડ સેન્ટરમાંથી પોસ્કો કેસનો કેદી નાસી જતા પોલીસ તંત્ર ધંધે લાગી ગયું છે. અગાઉ પણ એક આરોપી ભાગી ગયો હતો, જે હજુ હાથમાં નથી આવ્યો ત્યાં કેદી પણ નાસી જતાં પોલીસે શોધખોળ હાથ ધરી છે.

દાહોદ જિલ્લાના જાલોદના પાડલા ગામનો રાજુ તેનસીંગ નેશરતા (ઉ.વ.ર૩) સામે વંથલી પોલીસે  સ્ટેશનમાં સગીરાનું અપહરણ અને બળાત્કારનો ગુનો નોંધાયો હતો.

આ શખ્સ છેલ્લા કેટલાક સમયથી જુનાગઢ જિલ્લા જેલમાં બંદીવાન હતો. દરમ્યાન રાજુનો રિપોર્ટ કોરોના પોઝીટીવ આવતા તેને જુનાગઢના ભવનાથ સ્થિત સનાતન ધર્મશાળા કોવિડ સેન્ટરમાં સારવાર માટે રાખવામાં આવલ.

દરમ્યાન ગઇકાલે વહેલી સવારના પ-૩૦ સુધીમાં આ કેદી ધર્મશાળાના રૂમની બારીના સળીયાનો નીચેનો ભાગ લાકડાની ફેમમાંથી કાઢી સળીયો વાળી બારી વાટે નીકળીને પોલીસ કસ્ટડીમાંથી નાસી ગયો હતો.

આ અંગે લોકરક્ષક કલ્પેશ અમૃતભાઇએ જાણ કરતા ભવનાથ પોલીસે શોધખોળ શરૂ કરેલ, પરંતુ આ કેદી હાથ લાગ્યો ન હતો.  અગાઉ પણ સનાતન ધર્મશાળાના કોવિડ સેન્ટરમાંથી એક આરોપી પોલીસને ચકમો આપીને નાસી ગયો હતો. ત્યાં આવી બીજી ઘટના પ્રકાશમાં આવતા હલચલ મચી ગઇ છે.

(1:03 pm IST)