Gujarati News

Gujarati News

News of Tuesday, 29th September 2020

રાજુલા નગરપાલિકાની બેઠકમાં ૭૦ જેટલા મહત્વના પ્રશ્નોની ચર્ચા યોજાઇ

ધારાસભ્ય ડેરની નિશ્રામાં આયોજીત બેઠકમાં સમિતિઓના ચેરમેનની વરણી કરાઇ

(શિવ રાજગોર દ્વારા) રાજુલા તા.ર૯ : રાજુલા નગરપાલિકામાં આજે ૧૧ કલાકે ધારાસભ્ય અંબરીષ ડેરની વિશેષ ઉપસ્થિતીમાં નગરપાલિકાના પ્રમુખ ઘનશ્યામભાઇ લાખણોત્રા અધ્યક્ષ સ્થાને જનરલ બોર્ડની બેઠક મળી હતી જેમાં રાજુલાના ઇતિહાસમાં કદાચિત પ્રથમ વખત રાજુલા શહેરના સર્વાંગી વિકાસ અને શહેરીજનોને સુખ, સવલતો આપવા મહત્વપૂર્ણ ૭૦ જેટલા પ્રશ્નો અંગે ચર્ચાઓ થઇ હતી. જેમાં મુખ્યત્વે શહેરના મુખ્ય માર્ગો ઉપર સી.સી.કેમેરા મુકવા આંબેડકર સર્કલથી શ્રીકૃષ્ણદ્વાર સુધી વોકિંગ પાથ બનાવવાનું શહેરમાંથી એકત્રીત કરાતો કચરો જે હાલમાં શહેરના સિમાડે ઠલવાય છે તે કચરા માટે વેસ્ટ કમ્પોઝપ્લાન તૈયાર કરી કચરાનું કાયમી ધોરણે નિકાલ દ્વારા તે માટેનું આયોજન તૈયાર કરાયું રાજુલા શહેરની જનતા માટે હાલ કોઇ સારૂ કહી શકાય તેવું ફરવાનું સ્થળ ન હોય નવા રંગ રોગાન સાથે બાગ, બગીચા, બનાવવા માટે ચર્ચાઓ થઇ જેમાં રાજુલા શહેરની બહેન-દિકરીઓ, ભુલકાઓ સારી રીતે હરીફરી શકે તે માટે વિવિધ રાઇડો મુકવા અંગે પણ વિચારણા થઇ હતી.

નવા બોર્ડમાં વિવિધ સમિતીઓના ચેરમેનની પણ સર્વાનુમતે વરણી કરવામાં આવેલ જેમાં કારોબારી સમિતીના ચેરમેન પદે ચંદ્રીકાબેન રમણીકભાઇ દવે, બાંધકામ સમિતીના ચેરમેન ભરતભાઇ સાવલીયા, શિક્ષણ સમિતીના ચેરમેન વિમળાબેન ઉનાગર, સેનેટરી વિભાગના ચેરમેન પુષ્પાબેન પરમારની સર્વાનુમતે નિયુકિત કરવામાં આવી હતી  નિયુકત થયેલા નવા પ્રમુખ ઉપપ્રમુખ અને વિવિધ સમિતીઓના ચેરમેનોને ધારાસભ્ય અંબરીષ ડેરે અભિનંદન પાઠવી રાજુલા શહેરના પ્રજાજનોએ સર્વાંગી વિકાસના જોયેલા સપનાઓને સાકાર કરી પ્રજા ભિખુમ વહીવટ કરવાની શીખ આપી હતી.

(12:59 pm IST)